વડોદરામાં બેવડી ૠતુ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શહેર-જિલ્લામાં કમોસમી વરસાદ

વડોદરા,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી હવામાન વિભાગ દ્વારા ૨૬થી ૨૯ એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વહેલી સવારે વડોદરા શહેર અને જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વહેલી સવારે પડેલા વરસાદથી વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાઇ ગયું હતું. જોકે, મોડી સવાર બાદ વાદળો વિખરાઇ જતા શહેરીજનોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. આજે શહેર-જિલ્લાવાસીઓને બેવડી ૠતુનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આજથી ૩ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પ્રવર્તમાન વર્ષમાં અવાર-નવાર થઇ રહેલા માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. ત્યારે પુન: એક વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. તો બીજી તરફ શહેરીજનોને રોગચાળાની દહેશત સતાવી રહી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી વડોદરા શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદનું વહેલી સવારે પડતા શહેરનું વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાઇ ગયું હતું. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી બાજુ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે.

વહેલી સવારે ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદને પગલે લોકો પથારીમાંથી સફાળા ઉભા થઇ ગયા હતા. તો ફૂટપાથવાસીઓ અને ઝૂંપડાવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વહેલી સવારે પડેલા વરસાદથી ઠંડક પ્રસરી હતી. પરંતુ, ધીરે ધીરે વાદળો વિખરતા શહેરીજનોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. ગરમી સહન કરી ન શકનાર લોકોને સવારથી વાતાનુકુલીત સાધનો શરૂ કરી દેવાની ફરજ પડી હતી.

બેવડી ૠતુના કારણે રોગચાળાની દહેશત સેવાઇ રહી છે. એક તરફ કોરોનાના કેસો આવી રહ્યા છે. તે સાથે ૠતુજન્ય રોગચાળો પણ શરૂ થયો છે. ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં ઓ.પી.ડી. વધી ગઇ છે. આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓને લઇ ખેડૂતો ચિંતામાં આવી ગયા છે.