બર્મિંગહામ યુનિવર્સિટીએ સિખોને મુસ્લિમ ગણાવી દીધા, હોબાળો થયા બાદ માંગી માફી

બ્રિટનની જાણીતી બર્મિંગહામ યુનિવર્સિટીની એક વિવાદિત પોસ્ટને લઈને ભારે હોબાળો મચી ગયો છે અને એ પછી યુનિવર્સિટીને માફી માંગવી પડી છે. 

એક અખબારી અહેવાલ પ્રમાણે યુનિવર્સિટી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી કે, આ મહિનાની શરુઆતમાં યુનિવર્સિટીની સિખ સોસાયટી દ્વારા આયોજિત 20મો લંગર ઓન કેમ્પસ. . . કાર્યક્રમ ઈસ્લામિક અવેરનેસ વીકનો એક હિસ્સો હતો અને તેની સાથે લંગરની તસવીરો પણ મુકવામાં આવી હતી. તેમજ લખવામાં આવ્યુ હતુ કે, ડિસ્કવર ઈસ્લામિક વીક. . . . . 

આ પોસ્ટ બાદ સિખ પ્રેસ એસોસિએશનના પ્રવક્તા જસવીર સિંહે કહ્યુ હતુ કે, યુનિવર્સિટીએ જે જાણકારી રજૂ કરી છે તે જોઈને નિરાશાની સાથે સાથે આશ્ચર્ય પણ થાય છે. જે લોકો પર બર્મિંગહામ યુનિવર્સિટીની ઈમેજને જાળવી રાખવાની જવાબદારી છે તે લોકોને વિવિધ સમુદાયો અંગે જાણકારી જ નથી. યુનિવર્સિટી દ્વારા પોતાના કર્મચારીઓને અપાતા પ્રશિક્ષણમાં ખામી છે. સિખ સમુદાય દાયકાઓથી આ યુનિવર્સિટીનો હિસ્સો રહ્યો છે. 

અન્ય કેટલાક લોકોએ પણ આ પોસ્ટ જોઈને યુનિવર્સિટીની ટીકા કરી હતી અને એ પછી યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, આ પોસ્ટના કારણે જેમની લાગણી દુભાઈ છે તેમની યુનિવર્સિટી ખરા હૃદયથી માફી માંગે છે. અમે માનીએ છે કે, પોસ્ટ ભૂલભરેલી હતી પણ આ ભૂલ ધ્યાનમાં આવ્યા બાદ પોસ્ટ હટાવી લેવામાં આવી હતી. યુનિવર્સિટીને પોતાના કેમ્પસના વિદ્યાર્થીઓની વિવિધતા પર ગર્વ છે અને દરેક સમુદાયનુ અમે સન્માન કરીએ છે. અમે સબંધિત વ્યક્તિઓ અને સંગઠનોનો પણ માફી માંગવા અને તેમનો અભિપ્રાય જાણવા માટે સંપર્ક કર્યો છે.