બરેલીમાં યુટ્યુબરના ઘરે દરોડામાં મળી બેનામી લાખોની સંપતિ

બરેલી,ઉત્તર પ્રદેશના બરેલીમાં મોડી રાત્રે પોલીસે એક યુટ્યુબરના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસના આ દરોડામાં યુટ્યુબરના ઘરેથી ૨૪ લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. રોકડ રિકવર કર્યા બાદ પોલીસે તાત્કાલિક આવકવેરા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રોકડ જપ્ત કરી અને પોતાની સાથે લઈ ગયા.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુટ્યુબર વિશે એવી માહિતી મળી હતી કે તેણે ઘરમાં ખોટી રીતે લાખો રૂપિયાની રોકડ જમા કરાવી છે. આ માહિતી પર પોલીસે યુટ્યુબરના ઘરે દરોડો પાડ્યો હતો. આરોપી યુટ્યુબરનું નામ તસ્લીમ છે. તે પોતાની ચેનલ દ્વારા લોકોને શેરબજાર સાથે જોડાયેલી માહિતી આપે છે. પોલીસે બરેલીના નવાબગંજના મિલક પિછવાડા ગામમાં દરોડો પાડ્યો હતો. આરોપી તસ્લીમ બી.ટેક પાસ છે. તસ્લીમ પર આરોપ છે કે તેણે ગેરકાયદેસર રીતે પૈસા કમાયા અને તે જ પૈસાથી આલીશાન ઘર બનાવ્યું. આ સાથે તેની પાસે લક્ઝરી વાહનો પણ છે.

તે જ સમયે, તસ્લીમનું કહેવું છે કે બી ટેકનો અભ્યાસ કર્યા પછી તેણે ઓક્ટોબર ૨૦૧૭ માં યુટયુબ પર એક ચેનલ બનાવી. તે યુટ્યુબ પર એક ચેનલ દ્વારા શેરબજાર વિશે માહિતી આપે છે. તેણે ચેનલ દ્વારા ૧.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ૪૦ લાખ રૂપિયાનો આવકવેરો પણ જમા કરાવ્યો છે. રિકવર થયેલી ૨૪ લાખની રકમ અંગે તસ્લીમ કહે છે કે ૨૪ લાખમાંથી ૧૦ લાખ તેને લગ્નમાં મળ્યા હતા. આ સાથે જ તેણે બેંકમાંથી ૯ લાખ રૂપિયા ઉપાડી લીધા છે.

હાલ ઈક્ધમટેક્સ ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. યુટ્યુબ પર ચાલતી ચેનલ તસ્લીમના ૯૯,૦૦૦ થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તસ્લીમે ગામમાં આલીશાન ઘર બનાવ્યું છે. તેની પાસે ફોર વ્હીલર પણ છે. નબાબગંજના સ્ટેશન ઈન્ચાર્જ રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે તસ્લીમના ઘરે ગેરકાયદે પૈસા છે. પોલીસના દરોડામાં ઘરમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ મળી આવી છે.

તસ્લીમના ભાઈ ફિરોઝે તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેનું કહેવું છે કે તેના ભાઈને કાવતરા હેઠળ ફસાવવામાં આવી રહ્યો છે. ફિરોઝના કહેવા પ્રમાણે યુટ્યુબ દ્વારા પૈસા કમાયા છે. ફિરોઝે જણાવ્યું કે યુટ્યુબ પર ટ્રેન્ડિંગ હબ ૩.૦ નામની એક ચેનલ છે. આ ચેનલમાંથી સારી આવક થાય છે. બીજી તરફ, તસ્લીમના પિતા મૌસમ ખાનના કહેવા પ્રમાણે, પુત્ર પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે. ગઈકાલે આવેલી તપાસ ટીમને પુત્ર નિર્દોષ જણાયો હતો. તેના તમામ દસ્તાવેજો સાચા હોવાનું જાણવા મળ્યું છે.