બારામુલ્લા, નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને ઉમેદવાર ઓમર અબ્દુલ્લાએ ગુરુવારે બારામુલા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. ઓમર સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ પણ હાજર હતા. તેણે બારામુલા મતવિસ્તારના રિટનગ ઓફિસર મિંગા શેરપા સમક્ષ પોતાનું નામાંકન દાખલ કર્યું.
શ્રીનગરથી બારામુલ્લા તરફ પ્રયાણ કરતી વખતે, ઓમરે કહ્યું હતું કે તે પ્રચંડ બહુમતી સાથે સીટ જીતવાની અપેક્ષા રાખે છે. આ બેઠક પરથી પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ ગની લોન, અપક્ષ ઉમેદવાર એન્જિનિયર રશીદ, પીડીપીના ઉમેદવાર ફૈયાઝ અહેમદ મીર સહિત કુલ ૧૧ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.
આ દરમિયાન ઓમરે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપને નફરતભર્યા નિવેદનો કરવાની આદત છે. ભાજપના નેતાઓ ધર્મને લગતી ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમના પર આચારસંહિતાનો અમલ કેમ નથી થતો? ચૂંટણી પંચ તેમને આવી પરવાનગી કેવી રીતે આપે છે? આ દેશમાં ધર્મના નામે નફરત ફેલાવવામાં આવી રહી છે. આ ખૂબ જ ખેદજનક છે.
ઓમરે કહ્યું કે તે પોતાના લોકો પાસેથી ૩૭૦ વિરુદ્ધ વોટ માંગી રહ્યો છે. આ લડાઈમાં તેની સાથે અન્ય લોકો પણ છે. ૨૦ વર્ષ બાદ તેમણે લોક્સભા માટે ઉમેદવારી નોંધાવી છે. ૧૦ વર્ષ પછી પણ કોઈ ઉમેદવારી નોંધાવી નથી. ૨૦૧૪ પછી વિધાનસભાની ચૂંટણી થઈ ન હતી. ૨૦૧૯ પછી આ પહેલી મોટી ચૂંટણી છે. તેમણે આશા વ્યક્ત કરી કે એનસી-કોંગ્રેસ ગઠબંધન લદ્દાખ બેઠક સહિત છ બેઠકો જીતશે.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું, ’આજે ૨૦ વર્ષ બાદ મેં લોક્સભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ૨૦૧૪માં યોજાઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ૧૦ વર્ષથી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ નથી અને આ આગામી ચૂંટણીનું મહત્વ એ છે કે ૫ ઓગસ્ટ ૨૦૧૯ પછી આ પ્રથમ મોટી ચૂંટણી છે. અમને આશા છે કે અમે જમ્મુની ૫ અને કાશ્મીર અને લદ્દાખની એક સીટ પર સફળતા મેળવીશું.
જમ્મુ અને કાશ્મીરમાં લોક્સભાની પાંચ બેઠકો છે. ઉધમપુર, જમ્મુ, અનંતનાગ-રાજોરી, શ્રીનગર અને બારામુલ્લા. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપે ત્રણ બેઠકો જીતી હતી. જ્યારે બાકીની ત્રણ બેઠકો નેશનલ કોન્ફરન્સે જીતી હતી.
સામાન્ય ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં ઉધમપુર અને જમ્મુમાં ૧૯ અને ૨૬ એપ્રિલે મતદાન પૂર્ણ થયું હતું. અનંતનાગ-રાજોરી સીટ પર ૨૫ મે, શ્રીનગર ૧૩ મે અને બારામુલા સીટ પર ૨૦ મેના રોજ મતદાન થશે. અનંતનાગ-રાજોરી બેઠક માટે પ્રથમ ચૂંટણી ૭ મેના રોજ યોજાવાની હતી. ખરાબ હવામાનને કારણે હવે આ સીટ પર છઠ્ઠા તબક્કામાં ૨૫ મેના રોજ ચૂંટણી યોજાશે.