બારાબંકી પોલીસે એન્કાઉન્ટરમાં ગુનેગારને માર્યો, ૧૮ થી વધુ કેસ નોંધાયા હતાં

બારાબંકી, ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મોડી રાત્રે પોલીસે એન્કાઉન્ટર માં એક ગુનેગારને ઠાર કર્યો છે. જ્યારે તેનો સાથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસ દ્વારા માર્યા ગયેલા ગુનેગાર સામે ૧૮ થી વધુ ગુના નોંધાયેલા હતા. મળતી માહિતી મુજબ, ઝૈદપુર-હૈદરગઢ લિંક રોડ પર પોલીસ ચેકિંગ ઓપરેશન ચાલી રહ્યું હતું. ત્યારે પોલીસે સામેથી બે મોટરસાઈકલ સવાર યુવકોને ચેકિંગ માટે રોક્યા હતા.

પરંતુ પોલીસને જોતા જ બંને બદમાશો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન તેનું પોલીસ સાથે એન્કાઉન્ટર થયું હતું. પહેલા બદમાશોએ પોલીસ પર ફાયરિંગ કર્યું. જે બાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં એક બદમાશને ગોળી વાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટર્સ તેનો જીવ બચાવી શક્યા નહીં. જ્યારે બીજો બદમાશ મોકો મળતા જ ત્યાંથી ભાગી ગયો હતો.

પોલીસે જણાવ્યું કે મૃતક ગુનેગારનું નામ કરણ હતું. તે ઘણો જૂનો ગુનેગાર હતો. તેની સામે ૧૮ થી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે જ ફરાર થયેલા બીજા ગુનેગારનું નામ રવિ છે. પોલીસ હવે તેને શોધી રહી છે. પોલીસે મૃતક પાસેથી રોકડ, પિસ્તોલ અને કારતૂસ કબજે કર્યા હતા. આ ઉપરાંત નંબર પ્લેટ વગરની મોટર સાયકલ પણ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.

આ પહેલા ૩ ફેબ્રુઆરીએ મેરઠના કાંકરખેડા વિસ્તારમાં ઈન્સ્પેક્ટરને ગોળી મારનાર ગુનેગારને પોલીસે જંગેઠીના જંગલમાં માર્યો હતો. પોલીસ બદમાશ પાસેથી પિસ્તોલ કબજે કરવા કાંકરખેડાના જંગેઠી નજીકના ખેતરોમાં પહોંચી હતી, જ્યાં બદમાશોએ પોલીસ પર ગોળીબાર કર્યો અને કસ્ટડીમાંથી ભાગી ગયો. બાદમાં એન્કાઉન્ટર માં બદમાશને ગોળી વાગી હતી અને તેનું મોત થયું હતું. આ દરમિયાન એક કોન્સ્ટેબલ પણ ગોળીથી ઘાયલ થયો હતો.