અમદાવાદ : ફરી એકવાર અમદાવાદમાંથી નશાનો કારોબાર થતો હોવાનું સામે આવ્યુ છે.બાપુનગરમાંથી એમડી ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. 19.41 લાખની કિંમતનું 194 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી સામે આવી છે. ડ્રગ્સ સાથે સાદિક ઉર્ફે બાબુ અંસારી અને રૂકસાનાબાનું ઉર્ફે આઇશા અંસારીની ધરપકડ કરવામાં આવી છે. તો ડ્રગ્સ આપનાર મુંબઈનો વોન્ટેડ આરોપી હોવાનું સામે આવ્યુ છે.
અમદાવાદ પોલીસ દ્વારા બેફામ રીતે વેચાતા ડ્રગ્સના કારોબારને અટકાવવા શહેરમાં સર્ચ કરવામાં આવી રહ્યુ છે. પોલીસ ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે SOG ક્રાઇમને માહિતી મળી હતી કે બાપુનગર પાસેથી ડ્રગ્સ લઇને બે શખ્સો પસાર થવાના છે. આ માહિતીના આધારે SOGએ આ બંને લોકોને પકડી લીધા હતા અને તેમની પાસેથી 194 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી લીધુ છે. ડ્રગ્સ સાથે સાદિક ઉર્ફે બાબુ અંસારી અને રૂકસાનાબાનું ઉર્ફે આઇશા અંસારીની ધરપકડ કરવામાં આવી છે.
આ બંને આરોપીની પુછપરછમાં સામે આવ્યુ છે કે તેમને ડ્રગ્સ આપનાર મુંબઇનો વોન્ટેડ આરોપી છે.મુંબઇથી જ તે લોકો ડ્રગ્સ લાવ્યા હતા અને અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં તેઓ આ ડ્રગ્સનું વેચાણ કરવાના હતા.આ બંને આરોપી છેલ્લા એક વર્ષથી મુંબઇથી આ જ રીતે ડ્રગ્સનો જથ્થો લાવતા હતા અને અમદાવાદ શહેરમાં આ જ રીતે છુટક વેચાણ કરતા હતા.
સમગ્ર મામલામાં પોલીસે હાલ તપાસ તેજ કરી છે. આ મામલામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને બંને આરોપી અત્યાર સુધીમાં ક્યા ક્યા અને કેટલા લોકોને ડ્રગ્સ આપી ચુક્યા છે.આ સમગ્ર બાબતને લઇને પોલીસે હાલ તપાસ શરુ કરી છે.