બાપ દાદાની જમીન મુદ્દે સુરેન્દ્રનગરમાં લોહિયાળ અથડામણમાં બે સગા ભાઈઓની હત્યા

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે જૂથ અથડામણમાં બે સગાભાઈઓનાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. જમીન બાબતે મનદુ:ખમાં જૂથ અથડામણ થઈ હતી. ચુડા તાલુકામાં સમઢિયાળા ગામે જૂથ અથડામણ થઈ હતી. જેમાં અલગ-અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલુ અથડામણ લોહીયાળ અથડામણ સાબિત થયું હતું. એક મહિલા સહિત ૫ થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાજુ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની મૃતકના પરિવારજનોએ ચીમકી આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર ચુડા તાલુકાના સમઢિયાળા ગામે અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થઈ હિંસક હથિયારો વડે જૂથ અથડામણ થયુ હતું. આ બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નિપજયા છે. તો એક મહિલા સહિત ૫ થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જમીન બાબતના મનદુ:ખમાં જૂથ અથડામણ થઈ હતી. જુથ અથડામણમાં બે વ્યક્તિના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિનાં જૂથો સામસામે બાખડી પડ્યાં હતાં. તલવાર, ધારિયા સહિતનાં હથિયારોથી સામસામે હુમલો કરાયો હતો. આ ઘટનામાં ૨ આધેડના સારવાર દરમિયાન મેડિકલ કોલેજમાં મોત થયાં છે.

સમઝિયાળમાં ૭૦ વર્ષ જૂનું બાપ-દાદાના જમીનનું ખેતર કજિયાનું કારણ બન્યુ હતું. આ ઘટના વિશે અને સમગ્ર મુદ્દા વિશે મૃતકના પુત્ર જયેશ પરમારે જણાવ્યું કે, સમઢિયાળામાં અમારી ૭૦ વર્ષ જૂની જમીન છે. સામેના જુથે આ જમીન તેઓની છે તેમ કહીને કેસ કર્યો હતો. જોકે, કેસમા જીત અમારી થઈ હતી. છતાં તે લોકો અમારા પર ધાકધમકી કરતા હતા. આજે સવારે મારા પિતા અને મારા કાકા સહિત પરિવારજનો ત્યા ખેતરમાં ગયા હતા. ત્યારે કેસ કરનારા લોકોનું મોટા ગ્રૂપે લાકડી, ધારિયા જેવા હથિયારોથી તેમના પર હુમલો કર્યો હતો. જેમાં મારા પિતા ને કાકાનુ મોત નિપજ્યુ છે. તેમજ મારા પિતાનો પગ પણ કાપી નાખ્યો હતો.

ચુડા તાલુકાના સમઢીયાળા ડબલ હત્યા મામલે હોસ્પિટલ પહોંચેલા ભાજપના ધારાસભ્યનો પરિવારજનો અને સમાજના લોકોએ વિરોધ કર્યો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા તેમજ પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સાથે હોસ્પિટલ પહોંચ્યા, તે દરમિયાન સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા મૃતકોના પરિવારજનોએ માંગ કરી છે. ચુડા પોલીસ મથકના પીએસઆઇ સહીતના જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલા લેવાની માંગ કરી. હોસ્પિટલ પહોંચેલા ભાજપના નેતાઓનો વિરોધ થતાં મામલો ગરમાયો હતો.

આ મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગત રાત્રે સુરેન્દ્રનગરમાં કરૂણ ઘટના બની. ચુડા તાલુકાના સમઢિયાળામાં બે ભાઇઓની હત્યા કરાઈ. ગુજરાતમાં સામાજીક સમરસતા ભાજપાના શાસનમાં ડોહળાઇ રહી છે. વોટબેંકના પોલિટીક્સમાં વાતાવરણ ડોહળાઈ રહ્યું છે. દલિત આગેવાનની પેઢીઓની જમીન હયાત છે. જ્યારે ખેતી કરવા જાય ત્યારે માથાભારે તત્વો હેરાન કરે કોઇનુ ટ્રેક્ચર પણ ભાડે ન કરવા દે. પોલીસ રક્ષણ માંગ્યુ પણ ના મળ્યું. લેખિત અરજી કરી પોલીસ સંરક્ષણ માંગ્યું. મુખ્યમંત્રી ગૃહ મંત્રી સહિતના વડાઓને નકલ મોકલી. ક્યારે પોલીસ મથકે જઇ રજુઆત કરી તેની વિગત અરજીમાં હતી. સરકારે કોઇ સંરક્ષણ ન આપ્યું. ગઇ કાલે પરિવાર ટ્રેક્ટર લઇ ખેતી કરવા ગયા તો ટોળાએ હથીયાર સાથે હુમલો કર્યો.જેમાં બે ભાઇના મોત થયા હતા. ટ્રેક્ટર ડ્રાઇવરને પણ માર માર્યો. આ માટે રાજ્યની સરકાર સીધી જવાબદાર છે. કારણ કે અરજી મુખ્યમંત્રી ગૃહમંત્રી અને સામાજિક ન્યાય અધિકારી મંત્રીને કરી હતી. જો પોલીસ રક્ષણ આપ્યુ હોત કે ચેપ્ટર કેસ દાખલ કર્યો હોત તો આ સ્થિતિ ન હોત. કોંગ્રેસ આ પિડિત પરિવાર સાથે છે. કોંગ્રેસને નેતાઓને પિડિત પરિવારની પડખે પહોંચ્યા છે. કરૂણ ઘટનાના એવા જિલ્લામાં બની જે જિલ્લો દલિત અત્યાચાર માટે સંવેદનશીલ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજુઆત છતાં પગલાં ન લેવાતા હોય તો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે તેનો તાગ લગાવી શકાય છે. જો રાજ્યનુ આઇબી યોગ્ય રીતે કામ કરતુ હોત તો આ ઘટના ન બનત. આઈબી પાસે અત્યારે રાજકીય નેતા રાજકીય પાર્ટી અને ઉદ્યોગ ગૃહોની ગતિવિધી પર નજર રાખવાનું કામ થાય છે.