માલદીવ સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ પર પોતાનું મૌન તોડતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, એની કોઈ ખાતરી નહી કે દરેક દેશ હંમેશા ભારતને ટેકો આપે અથવા ભારતની સાથે સહમત થાય. નાગપુરમાં ‘મંથન’ ટાઉનહોલ મીટિંગમાં બોલતા, તેમણે કહ્યું, ‘મેં મારા ચીનના સમકક્ષને સમજાવ્યું છે કે, જ્યાં સુધી તમે સરહદ પર કોઈ ઉકેલ નહીં કાઢો અને બન્ને દેશની સેના સામ-સામે રહેશે ત્યાં સુધી તણાવ રહેવાનો જ છે, આવા સંજોગોમાં તમારે એવી કોઈ આશા ના રાખવી જોઈએ કે બાકીની બધી બાબતોમાં સંબંધો સામાન્ય રહેશે. આ અસંભવ છે’
LAC પર વધતા તણાવની તેના પડોશીઓ સાથેના ભારતના સંબંધો પર શું અસર થશે ? ચીનની ચાલને કેવી રીતે સમજી શકાય ? સંપાદક સાથે વાત કરતા, અગ્રણી સંરક્ષણ અને ભૂરાજનીતિ નિષ્ણાત લેફ્ટનન્ટ જનરલ રાકેશ શર્મા (નિવૃત્ત) કહે છે કે, ચીનના દિમાગને સમજવું એ આપણા માટે મોટો મુદ્દો છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી સૈન્ય દ્વારા ભારત પર મોટા પ્રમાણમાં દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચીનના તણાવની ગતિશીલતા પર, મેજર જનરલ જગતબીર સિંહ (નિવૃત્ત)એ કહ્યું કે, મને લાગે છે કે આપણે આ ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન બંને તરફથી એકસાથે જોખમોનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ આપણે તેમની સામે શું કાર્યવાહી કરીએ છીએ, બંને કેસમાં તફાવત છે. ચીન આપણને આપણા સંરક્ષણ પાછળ વધુ ને વધુ ખર્ચ કરવા દબાણ કરી રહ્યું છે. તેઓ આપણને તેની સામે આપણી તૈનાતી વધારવા માટે મજબૂર કરી રહ્યું છે અને તેનાથી વિપરીત પાકિસ્તાન સામેની આપણી તૈનાતી પર કોઈ અસર થશે નહીં. તેણે વધુમાં કહ્યું કે આ એક પ્રકારની રમત છે, જે બંને એક સાથે ભારત સામે રમી રહ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ રાકેશ શર્માનું કહેવું છે કે ચીનનો પ્રભાવ માલદીવથી આગળ બાંગ્લાદેશ અને નેપાળ જેવા પડોશી દેશો સુધી ફેલાયેલો છે. ચીન સાથે માલદીવનું જોડાણ એ દક્ષિણ એશિયાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. ભારત માટે પડકાર એ છે કે, આવા દેશોને ચીનના બહુપક્ષીય પ્રાદેશિક પ્રભાવથી દૂર રાખવા.