બેંક સાથે રૂ.૧૬.૩૮ કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં ૨ મહિલા સહિત ૪ આરોપીઓની ધરપકડ

સુરત,સુરતનાં રિંગરોડ ખાતે આવેલી તમિલનાડુ બેંક જોડે બોગસ પુરાવા અને બોગસ ફર્મ ઊભી કરી ૧૬.૩૮ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં ઇકો શેલ દ્વારા બે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ બેંકમાંથી લોન લેવા માટે પોતાની પેઢીનો ધંધો ન હોવા છતાં પણ ખોટી પેઢી ઊભી કરી ધંધાનું બોગસ સ્થળ ઉભું કર્યું હતું. કરોડોની છેતરપિંડી કેસમાં બેંકના મેનેજર સહિત અને વેલ્યુઅરની પણ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જે કેસમાં બે મહિલા સહિત ચાર આરોપીઓની સંડોવણી બહાર આવતા ઇકો શેલ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત ઇકો સેલમાં રિંગરોડ ખાતે આવેલી તમિલનાડુ મર્કન્ટાઈલ બેંકના અધિકારી પ્રભાકર કાલઅપ્પા નાડાર દ્વારા અગાઉ તેમની જ બેંકના મેનેજર આર સુંદર, બેંક ગેરેન્ટર તેમજ વેલ્યુઅર સામે રૂપિયા ૧૬.૩૮ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બેંકના મેનેજર, ગેરેન્ટર અને વેલ્યુઅર દ્વારા એકબીજાના મેળાપીપળામાં લોન માટેની પ્રોસેસ કરાવવામાં આવી હતી. જેમાં ખોટા સ્ટોક બિલો રજૂ કરી લોન મંજુર કરાવવામાં આવી હતી. જે લોન લેવા માટે ધંધા માટેના બિલો અને ખોટી ફર્મ ઊભી કરવામાં આવી હતી. મોર્ગેજમાં મૂકવામાં આવેલી પ્રોપર્ટીની વેલ્યુએશન ઓછી હોવા છતાં પણ ઉંચી કિંમતના ખોટા વેલ્યુ રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા. જે રિપોર્ટને સાચા તરીકે ઉપયોગમાં લઈ લોન મંજુર કરાવવામાં આવી હતી.

પોતાના અંગત સ્વાર્થ માટે લેવામાં આવેલી ૧૬.૩૮ કરોડના લોન કૌભાંડની તપાસ ઇકો સેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે કેસમાં અગાઉ રાકેશ ભીમાણી અને તુષાર ભીમાણીની પણ ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઇ હતી. જે તપાસમાં લોન કૌભાંડની અંદર જીતેન્દ્ર હિરજી કાકડીયા, શોભના જીતેન્દ્ર કાકડીયા, રસિક કાકડીયા અને શોભના રસિક કાકડીયાની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામા આવી છે.

ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપીઓની લોન કૌભાંડમાં મુખ્ય ભૂમિકાની વાત કરવામાં આવે તો આરોપીઓ દ્વારા બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી. જેમાં આરોપી જીતેન્દ્ર હીરજી કાકડીયા એ શ્લોક કોર્પોરેશન, શોભના જીતેન્દ્ર કાકડીયા એ ઇશિકા એન્ટરપ્રાઇઝ, રસિક હીરજી કાકડીયાએ એસઆર કોર્પોરેશન, જ્યારે શોભના રસિક કાકડીયા એ સ્માઈલી એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી ઉભી કરી હતી. જે બોગસ પેઢીના આધારે તમિલનાડુ બેંકમાં ખાતું ખોલાવ્યુ હતું. બેંકમાંથી લોન લેવા માટે બોગસ પેઢીના આધારે બેંકમાં ધંધાનું બોગસ સ્થળ દર્શાવી બોગસ ભાડા કરાર રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મકાનમાલિકનું આધારકાર્ડ પણ બોગસ ઉભુ કરી રજૂ કરાયું હતું. જે બોગસ આધારકાર્ડમાં આધાર નંબર પણ બોગસ દર્શાવવામાં આવ્યો હતો. ઉપરાંત જન્મ તારીખ પણ બોગસ દર્શાવી અન્ય વ્યક્તિઓની બોગસ સહીઓ કરવામાં આવી હતી. જે ભાડા કરારને બેંકમાં રજૂ કરાયું હતું. જે બાત જીતેન્દ્ર હિરજીભાઈ કાકડીયા એ ૯૯ લાખની સીસી લોન, શોભના જીતેન્દ્ર હિરજી કાકડીયાએ ૯૯ લાખની સીસી લોન, રસિક હીરજી કાકડીયાએ ૯૩ લાખની સીસી લોન અને શોભના રસિક કાકડીયાએ ૯૨ લાખની સીસી લોન લીધી હતી.

આરોપીઓ દ્વારા આ કામ માટે ભાઈઓને ૧૫-૧૫ લાખ આપવાનું નક્કી કરાયું હતું. જેમાં આરોપી રસીક હિરજી કાકડિયાની સાડા ત્રણ લાખની લોન અન્ય સહ આરોપીઓએ ભરપાઈ કરી બાકીના ૧૨.૫૦ લાખ રૂપિયા ટુકડે ટુકડે કરી રોકડમાં આપ્યા હતા. ઇકો સેલના હાથે ઝડપાયેલા આરોપીઓએ લોન લેવા પહેલા મિલક્ત ખરીદી કરી હતી. જે મિલક્તો બેંકમાં મોર્ગેજમાં મૂકવામાં આવી હતી. આરોપીઓ પૈકી આરોપી જીતેન્દ્ર હીરજી કાકડીયા એ તેના લોન ખાતામાંથી પર્સનલ બેંક ખાતામાં ૬૮.૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે રૂપિયાથી ખરીદ કરેલ મિલક્તના પૈસા ચેકથી ચૂકવવામાં આવ્યા હતા. તમામ આરોપીઓની ઇકોશીલ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં આ બાબત સામે આવી હતી. જ્યાં હાલ આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.