
- લાંબા સમયથી ખેત ધિરાણ માટે ખેડૂતોએ આપેલ ફાઈલોનો વહેલી તકે ન્યાય મેળવવા ખેડૂતોની માંગા
- બિયારણ,ખાતર તથા જંતુનાશક દવા લાવવા માટે નાણા માટે વલખા મારતા ખેડૂતોની હાલત કફોડી.
ચોમાસાની શરૂઆત થતાં ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ચૂક્યા છે.તેમજ આવા સમયે ખેડૂતોને નાણાંની ખાસ જરૂરિયાત ઊભી થાય છે. ત્યારે મોટા ભાગના ખેડૂતો બેંક દ્વારા મળતા ખેત ધિરાણ ઉપર આધાર હોય છે. જેથી ખેડૂતો સ્થાનિક બેંક દ્વારા ખેતી ધિરાણ મેળવવા મહિના આગળ ફાઈલ તૈયાર કરી બેંકમાં જમા કરાવી ખેત ધિરાણની રાહ જોતા હોય છે.પરંતુ હાલમાં ખેતીવાડી માટે નાણાંની વિકટ સમસ્યાના સમયે ખેત ધિરાણના નાણા નહીં મળી શકતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાઈ લો જમા કરાવી ચૂકેલા ખેડૂતોને વહેલી તકે ખેત ધિરાણ ચૂકવી આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.
જાણવા મળે વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ચોમાસું વરસાદનું આગમન થતાં ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે. ત્યારે હાલ મકાઈ, ડાંગર, તુવર, સોયાબીન જેવા બિયારણો તથા ખાતર અને ખેતીમાં પડતી જીવાતોની દવાની ખરીદી માટે નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલા છે. જોકે, મોટાભાગના ખેડૂતોએ પોતાને મળવાપાત્ર ખેત ધિરાણ માટે મહિના અગાઉ બેંક ઓફ બરોડા સુખસર શાખા ખેતી ધિરાણ માટે તમામ ડોક્યુમેન્ટની પૂર્તતા કરી ફાઈલો આપી દેવામાં આવેલી છે. જ્યારે હાલ ખેતીના વાવેતરનો કટોકટીનો સમય ચાલી રહ્યો છે. ત્યારે હજી સુધી ખેડૂતોને ખેત ધિરાણ નહીં ચુકવાતા ખેડૂતો પોતાની ખેતીમાં વાવેતર કરવા પાછળ પડતાં ખેતીની ઉપજમાં મોટો ફટકો પડવાના અણસારથી ચિંતામાં ગરકાવ થઈ રહ્યા છે. જોકે, ખેતીમાં બિયારણ નાખવાનો સમય પસાર થઈ ગયા બાદ ખેતીમાં મોંઘામાં મોંઘુ બિયારણ કે ખાતર વાપરવાથી ખેતી કરવાનો કોઈ અર્થ રહેતો નથી. જેના લીધે ખેડૂત પોતાની ખેતીમાં ધારી ઉપજ મેળવી શકતો નથી.
અહીંયા ખાસ જણાવવું જરૂરી છે કે,ખેડૂતો ખેત ધિરાણ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ ખરીદ કરવા માટે લેતા હોય છે અને તેવા સમયસર જરૂરિયાતના સમયે ખેતી ધિરાણ નહીં મળે અને ખેતી કરવાનો સમય વીતી ગયા પછી ખેત ધિરાણ મળે તેનો કોઈ અર્થ રહેતો નથી. ત્યારે ખેડૂતો પ્રત્યે બેંક સત્તાધીશો દ્વારા બેદરકારી દાખવી ખેડૂતોને ખેતીથી વિમુખ કરવાની ચાલ ચાલવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે ? યાદ રહે,ખેડૂત ખેતીથી વિમુખ થશે ત્યારે દેશની જનતા તો ભૂખે મરશે, પરંતુ દેશ દેવાદાર બનશે તે ભૂલવું જોઈએ નહીં.