
ચંડીગઢ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ સોમવારે આમ આદમી પાર્ટીના અમરગઢના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનમાજરા સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ તેને મની લોન્ડરિંગ કેસમાં અટકાયતમાં લીધો છે. ઇડી ગયા વર્ષથી તેની સામે તપાસ કરી રહી હતી.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઈડી તેમને મોહાલી કોર્ટમાં રજૂ કરી શકે છે. જાલંધર ઈડીની ટીમે જ્જનમાજરાને ત્યારે કસ્ટડીમાં લીધો જ્યારે તે સોમવારે સવારે માલેરકોટલા જિલ્લાના અમરગઢમાં આપ કાર્યર્ક્તાઓની બેઠકને સંબોધિત કરી રહ્યો હતો. આ પહેલા ઈડીએ તેમને ચાર વખત સમન્સ પાઠવ્યા હતા. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે ભાજપ બદલાની રાજનીતિ કરી રહી છે અને આપ નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. આપ ધારાસભ્ય જસવંત સિંહ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે કહ્યું કે તેઓ ધારાસભ્ય તરીકે જે પગાર મેળવે છે તેમાંથી તેઓ માત્ર એક રૂપિયો લેશે. આ અંગે તેમણે સોગંદનામું પણ આપ્યું હતું.
સપ્ટેમ્બર ૨૦૨૨માં, ઈડીની ટીમે અમરગઢમાં તેમના પરિવાર દ્વારા ચલાવવામાં આવતી શાળા અને પશુ આહારની ફેક્ટરી સિવાય ગજ્જનમાજરાના ઘર પર દરોડા પાડ્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ગયા વર્ષે રૂ. ૪૦.૯૨ કરોડના બેંક ફ્રોડ કેસમાં તેમની મિલક્તો પર દરોડા પાડ્યા હતા, જેના પગલે ઇડીએ તેમની સામે પીએમએલએ કેસ નોંધ્યો હતો.
સીબીઆઈએ કહ્યું હતું કે સર્ચ દરમિયાન ૧૬.૫૭ લાખ રૂપિયા, ૮૮ વિદેશી ચલણી નોટો અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. યાદ કરો કે લુધિયાણામાં બેંક ઓફ ઈન્ડિયાની શાખા દ્વારા માલેરકોટલાના ગૌનપુરા ખાતેની ગજ્જનમાજરાની પેઢી સામે ફરિયાદ બાદ સીબીઆઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. બેંકની ફરિયાદમાં જણાવાયું છે કે પેઢીએ તેના ડિરેક્ટરો દ્વારા ગીરો રાખેલો સ્ટોક છુપાવ્યો હતો અને ખોટા અને અપ્રમાણિક ઈરાદાઓ સાથે ઓફ-બુક લોન ડાયવર્ટ કરી હતી. જેથી તે લેણદાર બેંકને સુરક્ષિત લેણદાર તરીકે તપાસ અને વસૂલાત માટે ઉપલબ્ધ ન કરાવી શકાય.