બાંગ્લાદેશના મુખ્ય સલાહકારના સહાયકનું કહેવું છે કે દેશમાં સ્થિતિ ઘણી હદ સુધી સામાન્ય થઈ ગઈ છે. જો કે, હજુ પણ ઘણા પડકારો છે. વચગાળાની સરકારના મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ, શફીકુલ આલમે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિંસાગ્રસ્ત દેશમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સુધરે પછી મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવામાં આવશે.
મીડિયા સાથે વાત કરતા શફીકુલ આલમે કહ્યું કે વચગાળાની સરકારની પ્રાથમિક્તા દેશમાં કાયદો અને વ્યવસ્થા પુન:સ્થાપિત કરવાની છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે. વચગાળાની સરકારે ઢાકા મેટ્રોપોલિટન પોલીસ હેઠળના તમામ ૫૦ પોલીસ સ્ટેશનના વડાઓની બદલી કરી છે. જ્યારે આલમને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ’તમે ઢાકાની બહારના ગ્રામીણ વિસ્તારો કે શહેરો અથવા ઔદ્યોગિક વિસ્તારો જેવા તમામ સ્થળોની મુલાકાત લો, તમે પરિસ્થિતિ જાતે જ જુઓ અને નક્કી કરો કે તે સામાન્ય છે કે નહીં.’
તેમણે વધુમાં કહ્યું કે અમને લાગે છે કે પરિસ્થિતિ સામાન્યની નજીક છે જો કે કેટલાક પડકારો પણ છે. પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે બાંગ્લાદેશમાં મોટા સુધારા થયા બાદ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી થશે.બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી ફાટી નીકળેલી હિંસામાં ૨૩૦ થી વધુ લોકો માર્યા ગયા હતા, જુલાઇના મધ્યમાં સરકારી નોકરીઓમાં વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમ સામે વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા સામૂહિક વિરોધને પગલે મૃત્યુઆંક ૬૦૦ ને વટાવી ગયો હતો.
બાંગ્લાદેશમાં સરકાર વિરોધી વિરોધ બાદ થયેલી હિંસાને કારણે દેશના પ્રવાસન ઉદ્યોગને મોટું નુક્સાન થયું છે. છેલ્લા એક મહિનાથી મહેમાનોની અછતને કારણે હોટલોમાં રૂમો ખાલી પડી છે. પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓની હાલત ખરાબ છે.