બાંગ્લાદેશમાં ચાલતા અનામત વિરોધી આંદોલનમાં ફસાયેલા ૧૦૦ ગુજરાતી વિદ્યાર્થીઓમાંથી ૧૪ વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવામાં આવ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધી લીધેલા પગલાંના લીધે આ વિદ્યાર્થીઓ સહીસલામત પરત આવી ગયા છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં એમબીબીએસના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી.
સીએમની આ સૂચનાઓના પગલે એનઆરજી ફાઉન્ડેશનને બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર-૯૯૭૮૪૩૦૦૭૫ જાહેર કર્યો છે. એટલું જ નહિં, આવા વિદ્યાર્થીઓના વાલી અને પરિવારજનો તેમના પાલ્યની વિગતો આપી શકે તે માટે ઇમેલ આઇડી પર પણ વિગતો મંગાવવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારના આ પ્રો-એક્ટિવ અભિગમને પરિણામે વિદ્યાર્થીઓના વાલી-પરિવારજનોએ દ્ગઇય્ ફાઉન્ડેશનનો સંપર્ક કરીને વિગતો આપી હતી.
એનઆરજી ફાઉન્ડેશને ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને જે ૨૫ જેટલા વિદ્યાર્થીઓનો સંપર્ક થયો હતો તેમને ગુજરાત લાવવાની વ્યવસ્થાઓ સુનિશ્ર્ચિત કરી હતી. આ ફળદાયી પ્રયાસોના પરિણામે હાલ ભરૂચ જિલ્લાના સાત, અમદાવાદ અને ભાવનગરના બે તથા અમરેલી અને મહેસાણા તથા પાટણના એક-એક એમ કુલ ૧૪ વિદ્યાર્થીઓ સહીસલામત પરત આવી ગયા છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના પરામર્શમાં રહીને અન્ય ૧૧ વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની વ્યવસ્થાઓ હાથ ધરી છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે પણ બાંગ્લાદેશની સ્થિતિના સંદર્ભમાં એક એડવાઈઝરી જાહેર કરીને ત્યાં વસતા ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓને લોકલ ટ્રાવેલ ન કરવા તથા ઘરની બહાર ઓછામાં ઓછું નીકળવા અનુરોધ કર્યો છે.