બાંગ્લાદેશની યુવતીઓને ૬ રાજ્યોમાં વેચી દેવાઈ,માનવ તસ્કરી ગેંગની કબૂલાત

માનવ તસ્કરી કરતી ટોળકી બાંગ્લાદેશની યુવતીઓને ખરીદે છે અને વેચે છે. ગેંગના બે સભ્યોની પૂછપરછ દરમિયાન એનઆઈએને જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી દ્વારા લાવવામાં આવેલી 50થી વધુ યુવતીઓને ભારતનાં ઘણાં રાજ્યોમાં વેચી દેવાઈ છે. છેલ્લાં 3 વર્ષ દરમિયાન 6 રાજ્યોમાં યુવતીઓને વેચવાના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.

માનવ તસ્કરી ગેંગની તપાસ દરમિયાન એનઆઈએએ મ્યાનમારના રહેવાસી રબી ઈસ્લામ, મોહમ્મદ ઉસ્માન અને શફી આલમની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને ભારત લાવ્યા હતા. બાદમાં તેમનો હરિયાણા, રાજસ્થાન, યુપી, તેલંગાણા, બિહાર અને જમ્મુ-કાશ્મીરમાં 2થી 5 લાખ રૂપિયામાં સોદો કરી દેવાયો હતો.

માનવ તસ્કરી કરતી ગેંગ બાંગ્લાદેશથી યુવતીઓને ભારત લાવવા માટે આ ત્રણ રૂટનો ઉપયોગ કરે છે

રૂટ 1: બાંગ્લાદેશથી માનવ તસ્કરી કરતી ગેંગ પહેલાં યુવતીઓને લલચાવીને મ્યાનમાર લઈ જાય છે. ત્યાંથી તેમને ભૂતાન લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેમને નેપાળથી ઉત્તરપ્રદેશ અથવા બિહારના રસ્તે ભારત લાવવામાં આવે છે.

રૂટ 2: બાંગ્લાદેશથી મ્યાનમાર લઈ જવાય છે. ત્યારબાદ મ્યાનમારથી દરિયાઈ માર્ગે પશ્ચિમ બંગાળ લાવવામાં આવે છે. અહીંથી તેમને દેશનાં વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે. તે સરળ હોવાને કારણે તસ્કરો આ માર્ગનો ઉપયોગ કરે છે.

રૂટ 3 : બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળ કે બિહારમાં ઘૂસણખોરી કરીને યુવતીઓને સીધી ભારતમાં લાવવામાં આવે છે. આ માર્ગ અત્યંત જોખમી હોવાને કારણે તસ્કરો ભાગ્યે જ આ માર્ગનો ઉપયોગ કરે છે.

સુત્રો મુજબ, તપાસ ટીમે ત્રણેય તસ્કરો પાસેથી એક ડાયરી પણ કબજે કરી હતી. તેમાં યુવતીઓને ખરીદનારાઓના નામ અને મોબાઈલ નંબર છે. એનઆઈએ આ તમામ યુવતીઓની શોધખોળ રહી છે. બાંગ્લાદેશમાં યુવતીઓને લલચાવી માનવતસ્કરોને સોંપનાર લોકોને પ્રતિ યુવતી પર 50,000 રૂપિયા આપવામાં આવે છે. જે બાદ ટોળકી તેમને સરહદ પાર કરીને વિવિધ માર્ગો દ્વારા ભારત લઈ જાય છે.