બાંગ્લાદેશમાં વિપક્ષ ભારતના પ્રભાવને ખતમ કરવા માટે ’ઈન્ડિયા આઉટ કેમ્પેઈન’ ચલાવી રહ્યા છે

ઢાંકા, બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ભારત વિરોધી અભિયાન વચ્ચે શેખ હસીના સરકાર ભારતમાંથી ૫૦ હજાર ટન ડુંગળીની આયાત કરશે. હસીના સરકારની આથક બાબતોની કેબિનેટ સમિતિએ આ બાબતમાં વાણિજ્ય મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ બેઠકની અધ્યક્ષતા નાણાં મંત્રી અબુલ હસન અલીએ કરી હતી.

શેખ હસીના સરકારનું આ પગલું એટલા માટે પણ મહત્વનું ગણાય છે કારણ કે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપી અને તેના સહયોગી દળોના નેતાઓ ભારતના પ્રભાવને ખતમ કરવા માટે ’ઈન્ડિયા આઉટ કેમ્પેઈન’ ચલાવી રહ્યા છે. આ અંતર્ગત તેઓ બાંગ્લાદેશમાં ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે. અગાઉ બીએનપી નેતા રૂહુલ કબીર રિઝવીએ કાશ્મીરી શાલ સળગાવી હતી. જે બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ નિશાન સાધતા કહ્યું હતું કે શું તેઓ ભારતીય મસાલા વગરનું ભોજન ખાઈ શકે છે? શેખ હસીનાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તેઓ તેમની પાર્ટી ઓફિસની સામે તેમની પત્નીઓની ભારતીય સાડીઓ બાળશે ત્યારે જ સાબિત થશે કે તેઓ ખરેખર ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે પ્રતિબદ્ધ છે.

બાંગ્લાદેશની ન્યૂઝ વેબસાઈટ અનુસાર ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશ, વાણિજ્ય મંત્રાલયની સરકારી સંસ્થા, ભારતની નેશનલ કો ઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ પાસેથી જી-ટુ-જી ધોરણે ડુંગળીની આયાત કરશે. જો કે ડુંગળીના ભાવ શું હશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કેબિનેટ વિભાગના અધિક સચિવનું કહેવું છે કે ભારતમાંથી ડુંગળીની આયાતને મંજૂરી મળ્યા બાદ આ પ્રસ્તાવ કેબિનેટ કમિટીને મોકલવામાં આવશે. ત્યારે ડુંગળીના ભાવ જાહેર થઈ શકે છે.

ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ બાંગ્લાદેશ અને યુએઈને રાહત આપતા રમઝાન અને ઈદ પહેલા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. બાંગ્લાદેશના વિપક્ષી નેતાઓ ભારત પર આરોપ લગાવે છે કે ભારત બાંગ્લાદેશના લોકોનું સમર્થન કરતું નથી પરંતુ શેખ હસીનાની પાર્ટી બાંગ્લાદેશ અવામી લીગને સમર્થન આપે છે. આ જ કારણ છે કે બાંગ્લાદેશના કેટલાક વિપક્ષી નેતાઓ ’ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવી રહ્યા છે.