શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા જોવા મળી રહી છે. રાજધાની ઢાકા, ચિત્તાગોંગ અને કુલના સહિત અન્ય વિસ્તારોમાં ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંસા દરમિયાન જેલમાંથી ભાગી ગયેલા કેદીઓ હથિયારો સાથે મુક્તપણે ફરતા જોવા મળે છે. આ હિંસા દરમિયાન ઘણા હિંદુ મંદિરો, ઘરો અને વેપારી સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી હતી.
મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા ઓછામાં ઓછા બે હિન્દુ નેતાઓની હત્યા કરવામાં આવી છે. કટ્ટરપંથીઓ હિંદુઓની સંપત્તિને પસંદગીપૂર્વક નુક્સાન પહોંચાડી રહ્યા છે. મંદિર હોય કે ગુરુદ્વારા, દરેક જગ્યાએ હુમલા થયા છે.
અહેવાલો અનુસાર, હુમલાખોરોએ દુકાનો, મંદિરો અને ઘરોમાં લૂંટફાટ કરી હતી અને હિન્દુ મહિલાઓ પર હુમલો કર્યો હતો. મગુરા, નરેલ, દક્ષિણ પશ્ર્ચિમ ખુલના, પટુઆખલી, સતખીરા, મય નરસિંગડી, તાંગેલ, ઉત્તર પશ્ર્ચિમ લખપુર, ફેની, ચટગાંવ અને હબીગંજ.
’ઢાકા ટ્રિબ્યુન’ના સમાચાર મુજબ, રાજધાની ઢાકા સહિત દેશના મોટાભાગના શહેરોના પોલીસ સ્ટેશનોમાં કોઈ પોલીસ કર્મચારી નથી. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે દેશભરના ૪૦૦ થી વધુ પોલીસ સ્ટેશનો પર હુમલા, તોડફોડ, આગચંપી અને લૂંટફાટ કરવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટરના એક અધિકારીએ જણાવ્યું કે પોલીસે ૧૯૭૧ પછી આવી સ્થિતિ જોઈ નથી. ઘણી જગ્યાએ પોલીસ અને ગુસ્સે ભરાયેલા ટોળા વચ્ચે ઘર્ષણ થયું છે.
પોલીસ સ્ટેશનો અને અન્ય કેન્દ્રો પર હુમલામાં ઘણા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.બાંગ્લાદેશના પ્રસિદ્ધ ગાયક રાહુલ આનંદનું ઢાકાના ધનમંડીમાં ૧૪૦ વર્ષ જૂનું ઘર બદમાશોએ સળગાવી દીધું છે. બદમાશોએ ઘર સળગાવતા પહેલા લૂંટ પણ કરી હતી. તેના ૩૦૦૦ સંગીતનાં સાધનો પણ લૂંટ અને આગચંપીમાં નાશ પામ્યા હતા, જેમાંથી ઘણા તેણે પોતાના હાથે બનાવ્યા હતા. ટોળું ઘરમાં ઘુસે એ પહેલા રાહુલ તેની પત્ની અને પુત્ર સાથે બીજે ક્યાંક ચાલ્યો ગયો હતો જેના કારણે તેનો અને તેના પરિવારનો જીવ બચી ગયો હતો.