બાંગ્લાદેશ બોર્ડ એશિયા કપના કાર્યક્રમથી નારાજ બાંગ્લાદેશ બોર્ડ,પ્રવાસથી ખેલાડીઓની તૈયારી પર અસર પડશે

ઢાકા, એશિયા કપ શેડ્યૂલની જાહેરાત સાથે જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટૂર્નામેન્ટની ૪ મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની ૯ મેચ શ્રીલંકામાં રમાશે. પહેલીવાર હાઇબ્રિડ મોડલમાં રમાઈ રહેલા એશિયા કપના કાર્યક્રમને લઈને પણ નારાજગી જોવા મળી રહી છે. જેમાં સૌથી પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બટ્ટે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તે જ સમયે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) એ પણ સત્તાવાર કાર્યક્રમ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ૬ ટીમોમાંથી ભારત સિવાયની તમામ ટીમો પોતાની મેચ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમશે. તે જ સમયે, ભારતીય ટીમ તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે. આ શેડ્યૂલને અજીબ ગણાવતા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને PCB પર નિશાન સાધ્યું . બીસીબીના ક્રિકેટ ઓપરેશન્સ ચેરમેન જલાલ યુનુસે કહ્યું છે કે ટૂર્નામેન્ટ દરમિયાન પ્રવાસ ખેલાડીઓની તૈયારીઓને અસર કરશે.

બાંગ્લાદેશ ક્રિકેટ ઓપરેશન્સના અધ્યક્ષ જલાલ યુનુસે ક્રિકબઝને આપેલા નિવેદનમાં કહ્યું કે અમારે અમારી પ્રથમ ગ્રુપ મેચ શ્રીલંકામાં અને બીજી પાકિસ્તાનમાં રમવાની છે. અમે તેના વિશે કંઈ કરી શક્તા નથી, અમારે જવું પડશે. અમે ચાર્ટર્ડ પ્લેનમાં મુસાફરી કરીશું, તે એશિયન ક્રિકેટ કાઉન્સિલની જવાબદારી છે. અલબત્ત અમે વધુ સારી એરલાઇન સાથે મુસાફરી કરવા માંગીએ છીએ. જો તે રાષ્ટ્રીય એરલાઇન અથવા ચાર્ટર્ડ પ્લેન હોય તો ચોક્કસ તે બધા માટે સારું રહેશે.

પોતાના નિવેદનમાં જલાલે વધુમાં કહ્યું કે હવાઈ મુસાફરી કરવા માટે તમારે ફ્લાઈટના ૨ કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે. ખેલાડીઓએ આ માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેવું પડશે. જો અન્ય તમામ ટીમો શેડ્યૂલ સાથે સંમત થાય, તો અમારે તે મુજબ આગળ વધવું પડશે.