બાંગ્લાદેશનું ભવિષ્ય હજી ભયાનક-અંધકારમય

બાંગ્લાદેશનું ભવિષ્ય હજી ભયાનક-અંધકારમય

ભારતે વૈશ્વિક કક્ષાએ પોતાનું વર્ચસ્વ ઊભું કર્યું છે. અમેરિકા કે રશિયા એકબીજાના શત્રુ હશે, પણ બંને ભારતના મિત્ર દેશો છે. બંનેને ભારતના મતનું મૂલ્ય છે. ભારત ત્રીજા નંબરની ઈકોનોમી બનવા કટિબદ્ધ છે ને અન્ય દેશો સાથેના તેનાં રાજદ્વારી સંબંધો પણ વિશિષ્ટ પ્રકારનું મૂલ્ય ધરાવે છે.

આમ છતાં કેટલાક પડોશી દેશો સાથેનો શત્રુવટ આજ પર્યંત જળવાઈ રહ્યો છે. એમાં ભારતની નિષ્ઠા ઓછી નથી, પણ પડોશી દેશોની નિર્લજ્જતા ને નાલાયકી વધુ ભાગ ભજવે છે. ચીનની સરહદી હિલચાલ ભારત સાથેની શત્રુ તા વધારનારી જ રહી છે. એ જ રીતે પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓનો છેડો પણ નથી આવતો એ દુ:ખદ છે. વૈશ્વિક આતંકવાદનાં મૂળમાં પાકિસ્તાન છે એની કોઈ ના પાડી શકે એમ નથી.

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના હુમલા બાદ વધુ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભીડવાળી જગ્યાઓ, આઇકોનિક સ્થળોને નિશાન બનાવી શકાય એવી ચેતવણી અપાઈ છે. દિલ્હી હંમેશા જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર માટે નિશાના પર રહ્યું છે. ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો રાજ્યનું મોટું આભૂષણ છે, પણ તેનો ઉપયોગ પાકિસ્તાની હિલચાલ માટે પણ થાય છે. મુંબઈ પર ૨૬/૧૧નો આતંકવાદી હુમલો થયેલો ત્યારે તેનો સૂત્રધાર ક્સાબ ગુજરાતથી દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચેલો. તાજેતરમાં જ કચ્છના હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી હતી. ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે, તે કોઈથી અજાણ્યું નથી.

બીજી તરફ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના સત્તાપલટા બાદ લશ્કર દ્વારા રચાયેલી વચગાળાની સરકારે હજી કાયદો અને વ્યવસ્થાના મોરચે સંપૂર્ણ કાબૂ મેળવ્યો નથી. બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્વોએ હજારો હિન્દુઓ પર હુમલાઓ કરી તેમની જાનમાલને નુક્સાન પહોંચાડયું છે. હિન્દુઓના ધંધા-રોજગારનાં સ્થળોને આગ ચાંપવામાં આવી છે. કોઈપણ દેશ પોતાનો પડોશી બદલી શક્તો નથી. ટૂંકમાં, પડોશી રાષ્ટ્રમાં થતી ગતિવિધિઓની સીધી અને આડી અસર બેશક થાય છે.

તાજેતરમાં બાંગ્લાદેશમાં છાત્ર આંદોલન વકર્યું. બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલિદા ઝિયા સહિત સેંકડો વિપક્ષી નેતાઓને આ બેગમ શેખ હસીનાએ જેલભેગાં કર્યાં હતાં. એટલું જ નહીં, બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં સર્વસમ્મતિથી વડાપ્રધાનપદે નિયુક્ત થયેલા અત્યંત પ્રતિષ્ઠિત નોબલ પ્રાઇઝ વિનર મોહમ્મદ યુનૂસને પણ જેલભેગા કરવાની વેતરણમાં શેખ હસીના પ્રયત્નશીલ હતાં.

શેખ હસીનાની નીતિરીતિથી માત્ર બાંગ્લાદેશની પ્રજા નહીં, પરંતુ વૈશ્ર્વિક ફલક પર પણ શેખ હસીનાની છાપ વખાણાવા લાયક રહી નહોતી. વિશ્ર્વના ૫૭ ઇસ્લામિક રાષ્ટ્રો પૈકી એકપણ મુસ્લિમ રાષ્ટ્ર આ શેખ હસીનાને રાજ્યાશ્રય આપવા કે પોતાના દેશમાં પ્રવેશ આપવા પણ રાજી નથી. બ્રિટન અને અમેરિકાએ પણ એન્ટ્રી પર રોક લગાવી છે. ભારતમાં શેખ હસીનાએ રાજ્યાશ્રય લીધો છે.

વિધિની વક્રતા કેટલી ભયાનક બની છે. બાંગ્લાદેશનો જન્મ ભારતને કારણે થયો છે. ઇન્દિરા ગાંધીના સમયમાં પાકિસ્તાનના બે ભાગલા પાડીને ભારતે પાકિસ્તાની સરમુખત્યાર જનરલ યાહ્યાખાનને પદાર્થપાઠ શીખવ્યો હતો. એ સમયે પાકિસ્તાની હુકમરાનોના અત્યાચારથી પીડાતી બાંગ્લાદેશની પ્રજા ભારતને પોતાના મસીહા તરીકે પૂજતી હતી. જે તે સમયે લાખોની સંખ્યામાં બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને ભારતે પ્રેમથી સાચવ્યા હતા અને નાગરિકત્વ પણ બક્ષ્યું હતું. હવે હાલના બાંગ્લાદેશમાં એક શેખ હસીનાની વિદાય બાદ પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે અને ત્યાંના કટ્ટરવાદીઓ ભારતીય મૂળના હિન્દુઓને હિંસા આચરીને દેશ છોડવા મજબૂર કરી રહ્યા છે.