ઢાકા, બીએલએએ તેના સહયોગીઓ સાથે મળીને પાકિસ્તાનના સૈન્ય મથકો પર હુમલો કર્યો છે. એક તરફ બીએલએ દાવો કરી રહ્યું છે કે તેણે માચ અને બોલાન શહેરો પર કબજો કરી લીધો છે, જ્યારે પાકિસ્તાન આ વાતને સ્પષ્ટપણે નકારી રહ્યું છે.બીએલએના કબજા બાદ હવે એવી અટકળો ચાલી રહી છે કે પાકિસ્તાન ફરી બે ભાગમાં વહેંચાઈ જશે.બીએલએએ પાકિસ્તાની અને આંતરરાષ્ટ્રીય મીડિયાને પણ આ હકીક્તો જાણવા માટે ત્યાં આવવા આમંત્રણ આપ્યું છે.
પાકિસ્તાન ફરી એકવાર વિઘટનના આરે દેખાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૧૯૭૧ની જેમ પાકિસ્તાન ફરી બે ટુકડામાં વહેંચાઈ શકે છે. એક નવો દેશ પણ બનાવી શકે છે. તેનું કારણ બલૂચ લિબરેશન આર્મી દ્વારા પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલા. બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાનના પશ્ર્ચિમી પ્રાંતમાં બલૂચિસ્તાનની આઝાદી માટે સતત લડત ચલાવી રહી છે.
આ દરમિયાન બીએલએએ પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. બીએલએએ દાવો કર્યો છે કે તેણે બોલાન અને માચ શહેરો પર હુમલો કરીને કબજો કરી લીધો છે. આ સમયગાળા દરમિયાન, માચ શહેરમાં થયેલા હુમલામાં, બીએલએએ પાકિસ્તાન આર્મીના ૪૫ સૈનિકો અને પીર ગાબમાં ૧૦ લોકો માર્યા ગયા છે. બીજી તરફ પાકિસ્તાને બીએલએના દાવાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે પાકિસ્તાની સેનાનો કોઈ સૈનિક માર્યો ગયો નથી.
તમને જણાવી દઈએ કે બલુચિસ્તાનના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બીએલએએ માચ અને બોલાન શહેરોને કબજે કરવા માટે ‘ઓપરેશન દારા-એ-બોલાન’ શરૂ કર્યું છે અને આ શહેરોની આસપાસના વિસ્તારોને પોતાના કબજામાં લઈ લીધા છે.બીએલએની સાથે જૈસેમજીદ બ્રિગેડ, ફતેહ સ્ક્વોડ અને સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન સ્ક્વોડ પણ આ ઓપરેશનમાં સામેલ છે. આ ટીમોની મદદથી બીએલએએ આ ઓપરેશન પાર પાડ્યું છે.
આ દરમિયાન બીએલએના પ્રવક્તાનું નિવેદન પણ સામે આવ્યું છે. પ્રવક્તા જિયાંદ બલોચે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એસટીઓએસ ટીમોએ પાકિસ્તાની દળોને રોકવા માટે લેન્ડ માઈન વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો છે અને તમામ વિસ્તારોની આસપાસના પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ પર કબજો કર્યા છે.
આ ઉપરાંત અન્ય સેનાની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા માટે ફતેહ ટુકડીએ રેલ્વે સ્ટેશન અને પોલીસ સ્ટેશન સહિત માચ શહેરના વ્યૂહાત્મક સ્થળો પર કબજો જમાવ્યો છે.
બીએલએએ દાવો કર્યો હતો કે માચ શહેર ૨૪ કલાકથી વધુ સમયથી તેના નિયંત્રણમાં હતું. આ દરમિયાન બીએલએએ એક વીડિયો પણ જાહેર કર્યો હતો. આ વીડિયોમાં બીએલએ સૈનિકો શહેરના લોકોને લાઉડ સ્પીકરની મદદથી ઘરમાં જ રહેવાનું કહેતા જોવા મળ્યા હતા. બીએલએ અનુસાર, આ વીડિયો ૩૦ જાન્યુઆરી મંગળવારનો છે.આ સિવાય બીએલએએ અન્ય એક તાજેતરનું નિવેદન પણ બહાર પાડ્યું છે, જેમાં તેણે આ સત્ય શોધવા માટે આંતરરાષ્ટ્રીય અને પાકિસ્તાની મીડિયાને આમંત્રણ આપ્યું છે અને કહ્યું છે કે “અમે માચ શહેરની મુલાકાત લેવાનું આયોજન કરતા કોઈપણ મીડિયા આઉટલેટને સંપૂર્ણ રીતે જાણ કરીશું. સુરક્ષાની ખાતરી આપીશું.” બીજી તરફ બીએલએએ પણ બલૂચ યુવાનોને સંગઠનમાં જોડાવા માટે અપીલ કરી છે.