ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, બાંગ્લાદેશમાં આવેલા પૂર માટે ભારત જવાબદાર નથી. બાંગ્લાદેશમાં એવી અફવા છે કે ત્રિપુરામાં ડામ્બુર ડેમ ખોલવાને કારણે પૂર આવ્યું છે. આ સાચું નથી.મંત્રાલયે કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે. જેના કારણે બંને પક્ષે સમસ્યા સર્જાઈ છે. બંને દેશો વચ્ચે નદીઓમાં પૂર આવવું એ એક સામાન્ય સમસ્યા છે, જેની સાથે બંને દેશોના લોકોને સંઘર્ષ કરવો પડે છે. આનો સામનો કરવા માટે બંને દેશોના સહયોગની જરૂર છે.
મંત્રાલયે એમ પણ કહ્યું કે, ડામ્બુર ડેમ બાંગ્લાદેશ સરહદથી ૧૨૦ કિલોમીટરથી વધુ દૂર છે. આ નીચી ઉંચાઈ (લગભગ ૩૦ મીટર) ડેમ છે, જે વીજળી ઉત્પન્ન કરે છે અને તે વીજળી ગ્રીડમાં જાય છે જેમાંથી બાંગ્લાદેશને પણ ત્રિપુરામાંથી ૪૦ મેગાવોટ વીજળી મળે છે. ચટગાંવના ફેની વિસ્તારમાં પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતાં રસ્તા પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો પૂરના ભયંકર ધોવાણને કારણે માર્ગને નુક્સાન થયું છે
હકીક્તમાં બાંગ્લાદેશમાં ૧૨ જિલ્લામાં ભારે પૂર આવ્યું છે. દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં પૂરથી ૩૬ લાખ લોકો પ્રભાવિત થયા છે. સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને લોકો ધાબા પર ફસાયા છે. બંગાળી અખબાર પ્રથમ આલો અનુસાર, પૂર અને વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે. ટેલિકોમ્યુનિકેશન બંધ થવાને કારણે વધુ માહિતી ઉપલબ્ધ નથી.
ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી સહિત વચગાળાની સરકારના કેટલાક નેતાઓ પણ આ પૂર માટે ભારતને જવાબદાર ઠેરવી રહ્યા છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, બાંગ્લાદેશના સૂચના અને પ્રસારણ મંત્રાલયના સલાહકાર નાહિદ ઇસ્લામે કહ્યું હતું કે, ભારતે ચેતવણી આપ્યા વિના પાણી છોડ્યું. આ અમાનવીય છે.
બીએનપી પાર્ટીના સંયુક્ત મહાસચિવ રૂહુલ કબીર રિઝવીએ આરોપ લગાવ્યો કે ભારતે ત્રિપુરામાં ગોમતી નદી પર ડામ્બુર ડેમના દરવાજા જાણી જોઈને ખોલ્યા, જેના કારણે આટલું ગંભીર પૂર આવ્યું. તેમણે કહ્યું કે ભારતને બાંગ્લાદેશના લોકોની પરવા નથી. નાહીદ ઇસ્લામ વચગાળાની સરકારમાં માહિતી સલાહકાર છે. હસીના સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલનમાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી.
સોશિયલ મીડિયા પર પણ મોટા પાયે ભારત વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આવી ઘણી પોસ્ટ વાઇરલ છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતે જાણી જોઈને બાંગ્લાદેશમાં પાણી છોડ્યું કારણ કે તે શેખ હસીનાની પીછેહઠથી નારાજ છે. એક યુઝરે લખ્યું કે, જે લોકો ભારતને બાંગ્લાદેશનો મિત્ર કહે છે તે દેશના દુશ્મન છે. સત્ય એ છે કે ભારત અને પાકિસ્તાન બંને ક્યારેય બાંગ્લાદેશની પ્રગતિ જોવા માગતા નથી.
ભારતના કારણે બાંગ્લાદેશ અત્યાર સુધીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. વચગાળાની સરકારમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે કહ્યું કે, ભારતનું માનવું છે કે બાંગ્લાદેશમાં તેની રીતે પાણી આવ્યું છે. તેનું કારણ નદીમાં વધુ પડતું પાણી હતું. ત્રિપુરાના ઉર્જા મંત્રી રતન લાલ નાથના જણાવ્યા અનુસાર, ડામ્બુર ડેમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જ્યારે પાણી ચોક્કસ મર્યાદાથી વધી જાય ત્યારે તે પોતાને છોડવા લાગે છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, ડેમનો એક પણ ગેટ ખોલવામાં આવ્યો નથી.