પશ્ર્ચિમ મય અને નજીકના ઉત્તર-પશ્ર્ચિમ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને ચક્રવાતનો ખતરો છે. તેની અસરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને ઓછામાં ઓછા આગામી ત્રણ દિવસ સુધી હવામાન આવું જ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન બે દિવસમાં ચક્રવાતમાં ફેરવાઈ જવાનો ભય છે. તેના પ્રભાવ હેઠળ, પશ્ર્ચિમ બંગાળ, દક્ષિણ ઓડિશા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, દક્ષિણ ઝારખંડ અને છત્તીસગઢ અને પૂર્વી તેલંગાણાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પરના પવનો અને ભારે વરસાદની અપેક્ષા છે. આઇએમડીએ આ રાજ્યોમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને નેશનલ હાઈવે ૫ (ભારત-તિબેટ રોડ) સહિત ૬૦ થી વધુ રસ્તાઓ બંધ છે. કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ પહાડ પરથી સતત પથ્થરો પડવાના કારણે રસ્તો સાફ કરવામાં મુશ્કેલી પડી રહી છે. રાજ્યમાં ૧૧ વીજ પુરવઠો અને એક પાણી પુરવઠા યોજનાઓ પણ અટકી પડી છે.રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉનામાં સૌથી વધુ ૪૮ મીમી વરસાદ નોંધાયો છે.
રાજસ્થાનની રાજધાની જયપુર, અજમેર, અલવર, બુંદી, ઝાલવાડ, કરૌલી, સિરોહી અને ટોંક જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે. અલવરમાં ૧૧ સેમી જેટલો વરસાદ થયો છે. અજમેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ સૌથી ખરાબ છે. માર્ગો પર નદીઓ વહેતી હોવાથી લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં બજારો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રે અજમેરમાં ૧૦ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણી નદીઓ વહેતી થઈ છે અને ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવિત છે. રવિવારે, સાબરકાંઠા જીલ્લામાં ફૂલેલા નાળા પરનો પુલ ક્રોસ કરતી વખતે, એક કાર કરોલ નદીમાં તણાઈ ગઈ હતી, જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલું યુગલ લગભગ બે કલાક સુધી પૂરના પાણીમાં ફસાયું હતું. બાદમાં પાણીનું સ્તર ઘટી જતાં ફાયર બ્રિગેડના જવાનોએ તેમને બચાવ્યા હતા. ઇડર નગરમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે,
વરસાદ, પાણી ભરાવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ ઉપરાંત વીજળી પણ લોકોને કઠિન ક્સોટી આપી રહી છે. છત્તીસગઢના બાલોદાબજાર-ભાટપારા જિલ્લામાં વીજળી પડવાથી સાત લોકોના મોત થયા અને ત્રણ દાઝી ગયા. જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે સાંજે મોહતારા ગામમાં બની હતી જ્યારે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ભારે વરસાદ વચ્ચે આ લોકો તેમના ખેતર પાસે એક તળાવના કિનારે ભેગા થયા હતા, જ્યારે તેમના પર વીજળી પડી હતી.
કેન્દ્રીય કોલસા મંત્રી અને તેલંગાણા ભાજપના પ્રદેશ અયક્ષ જી કિશન રેડ્ડીએ રાજ્યના ખમ્મમ જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તેલંગાણા સરકારને પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને રાહત આપવા માટે રાજ્ય આપત્તિ રાહત ફંડમાં ઉપલબ્ધ રૂ. ૧,૩૪૫ કરોડ ખર્ચવા કહ્યું છે.