બંગાળ,તમિલનાડુ અને તેલંગાણામાં કેન્દ્રીય એજન્સીઓના દરોડા:

મમતાના મંત્રીના ૧૨ સ્થળો પર ઈડીના દરોડા, ડીએમકે સાંસદ અને બીઆરએસના ધારાસભ્યને ત્યાં કાર્યવાહી

કેન્દ્રીય એજન્સીઓએ ગુરુવારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને તેલંગાણામાં દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બંગાળમાં મમતા બેનર્જીની સરકારના મંત્રી રથિન ઘોષના નિવાસસ્થાન અને કોલકાતા અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં તેમની સાથે જોડાયેલા 12 સ્થળો પર દરોડા પાડ્યા છે.

આ તરફ ED ઉત્તર 24 પરગણા જિલ્લામાં ટીટાગઢ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ પ્રશાંત ચૌધરીના નિવાસસ્થાન પર તપાસ કરી રહી છે. પ્રશાંત ચૌધરી સામેની આ કાર્યવાહી ટીટાગઢ નગરપાલિકામાં થયેલા ભરતી કૌભાંડના વિરોધમાં કરવામાં આવી રહી છે.

તમિલનાડુ અને તેલંગાણામાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. ચેન્નાઈ, તમિલનાડુમાં ડીએમકે સાંસદ એસ જગતરક્ષકના 40થી વધુ જગ્યાઓ પર સર્ચ ચાલી રહ્યું છે. હૈદરાબાદ, તેલંગાણામાં ઇન્કમટેક્સે શાસક પક્ષ BRS ધારાસભ્ય માગંતી ગોપીનાથ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

ઈન્કમટેક્સના અધિકારીઓની એક ટીમ હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સ, કુકટપલ્લી, ગાચીબોવલી સહિત BRS ધારાસભ્યના નિવાસસ્થાન અને કાર્યાલય પર સર્ચ કરી રહી છે.

આ પહેલા બુધવારે EDએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. લિકર પોલિસી કૌભાંડમાં લગભગ 10 કલાકની પૂછપરછ બાદ EDએ તેની ધરપકડ કરી હતી. AAP, કોંગ્રેસ, RJD સહિત અનેક વિપક્ષી દળો EDની આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે.

દિલ્હી પોલીસે 3 ઓક્ટોબરે કૃષિ ભવન ખાતે હડતાળ પર બેઠેલા મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સહિત TMC નેતાઓની અટકાયત કરી હતી. આ તમામ નેતાઓ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી નિરંજન જ્યોતિને ન મળવાના કારણે કૃષિ ભવનમાં જ ધરણા પર બેઠા હતા. પોલીસે બળજબરીપૂર્વક તમામને ત્યાંથી લઈ ગયા હતા. મહિલા પોલીસે મહુઆ મોઈત્રાને ઉઠાવીને અટકાયત કરી હતી. આ ઉપરાંત તમામ નેતાઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બુધવારે સવારે 7 વાગ્યે EDની ટીમ તેમના દિલ્હી સ્થિત ઘરે પહોંચી હતી. 10 કલાક સુધી ચાલેલા દરોડા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા સંજયે માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. સંજય સિંહનું નામ એક્સાઇઝ પોલિસી કેસની ચાર્જશીટમાં પણ છે. આ કેસમાં મનીષ સિસોદિયા જેલમાં છે.