બંગાળ શિક્ષક ભરતી: ’સુપ્રિમ’ સીબીઆઈ તપાસ માટે સ્ટે ઓર્ડર; ૨૬ હજાર શિક્ષકોને કલકત્તા હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે કલકત્તા હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુક્યો હતો. સુપ્રીમ કોર્ટે તે નિર્ણય પર રોક લગાવી દીધી છે જેમાં હાઈકોર્ટે સીબીઆઈને શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્ર્ચિમ બંગાળના સરકારી અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચે સોમવારે પશ્ર્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરી. બેન્ચમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે જેણે રાજ્ય સંચાલિત અને રાજ્ય સહાયિત શાળાઓમાં શાળા સેવા આયોગ (એસએસસી) દ્વારા કરવામાં આવેલી ૨૫,૭૫૩ શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની નિમણૂકોને અમાન્ય ઠેરવી હતી. બેંચ હવે આ મામલે ૬ મેના રોજ સુનાવણી કરશે.

જો કે, સુનાવણી દરમિયાન, બેન્ચે કહ્યું કે અમે કલકત્તા હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપીએ છીએ, જેમાં સીબીઆઈને રાજ્ય સરકારના અધિકારીઓ સામે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નિમણૂકોને અમાન્ય કરતી વખતે, હાઇકોર્ટે કહ્યું હતું કે એસએસસી પેનલ સમાપ્ત થયા પછી જેમને નોકરી મળી હતી, તેઓને જનતાના પૈસામાંથી ચૂકવણી કરવામાં આવી હતી. દરેક વ્યક્તિએ ચાર અઠવાડિયામાં વ્યાજ સહિત પગાર પરત કરવાનો રહેશે. દરેક વ્યક્તિએ ૧૨ ટકા વાષક વ્યાજ સાથે પૈસા પરત કરવાના રહેશે. નવા લોકોને નોકરી મળશે. હાઈકોર્ટે ૧૫ દિવસમાં પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

મમતા બેનર્જીએ તાજેતરમાં હાઈકોર્ટના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે તેમની સાથે ઉભા છીએ જેમણે નોકરી ગુમાવી છે. બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે તે શાસક પક્ષ દ્વારા ન્યાયતંત્રના નિર્ણયોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે.