- આ પહેલા બંગાળના હાવડાના પંચલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.
પશ્ચિમ બંગાળના હાવડા બાદ હવે માલદા જિલ્લામાં પણ મણિપુરની માફક મહિલાઓ પર અત્યાચારની ઘટના સામે આવી છે. માલદાના બામનગોલા પોલીસ સ્ટેશન વિસ્તારના પકુઆહાટ વિસ્તારમાં ચોરીના આરોપમાં બે આદિવાસી મહિલાઓને સ્થાનિક લોકોએ નિર્વસ્ત્ર કરીને નિર્દયતાથી જૂતા તથા મુક્કા અને લાતોથી ક્રૂરતાપૂર્વક મારવામાં આવી હોવાનો આરોપ મૂકાયો છે. આ ઘટના 19 જુલાઈએ થઈ હોવાનું મનાય છે અને તેનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ બે મહિલાઓને મારઝૂડ કરી રહી છે. જોકે, પોલીસને આવી કોઈ ફરિયાદ મળી નથી. પોલીસનું કહેવું છે કે વાયરલ વીડિયો જોયા બાદ જ તેમને આ ઘટનાની જાણ થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બે મહિલાઓ ચોરી કરતી વખતે ઝડપાઈ ગઈ હતી. તે પછી તેમને સ્થાનિક મહિલાઓ અને દુકાનદારોએ માર માર્યો હતો. કહેવાય છે કે મહિલાઓ ચોરી કરતી પકડાઈ હતી, તે ભાગી ગઈ હતી અને ડરના માર્યા તેમણે ફરિયાદ પણ નોંધાવી ન હતી. પોલીસનું કહેવું છે કે સુઓ મોટુ સંજ્ઞાન લઈને કેસ નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
બીજી બાજુ, બંગાળ ભાજપના સહ-પ્રભારી અમિત માલવિયએ આ ઘટના પર મુખ્યમંત્રી મમતા બેનરજી પર પ્રહાર કરતા કહ્યું કે બંગાળમાં આતંકનો કેર ચાલુ છે. આ ઘટનાથી મમતા બેનરજીનું દિલ તૂટી જવું જોઈતું હતું. પરંતુ તેમણે તોડફોડની નિંદા સુદ્ધાં કરી ન હતી કારણ કે એક મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તરીકે તેમની નિષ્ફળતા જાહેર થઈ હોત.
માલવિયએ ટ્વીટ કરીને કહ્યું, “બે આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરવામાં આવી, તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને નિર્દયતાથી માર મારવામાં આવ્યો જ્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહી.” મહિલા સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયની હતી અને ટોળું તેના લોહી માટે તરસ્યું હતું…. આ એક એવી દુર્ઘટના તરફ દોરી જાય છે જેનાથી મમતા બેનરજીનું દિલ ‘તૂટવું’ જોઈએ અને તેઓ પગલાં લઈ શકતાં હતા કારણ કે તેઓ બંગાળના ગૃહમંત્રી પણ છે. પરંતુ તેમણે કશું કર્યું નહીં.
આ પહેલા બંગાળના હાવડાના પાંચલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવી જ ઘટના બની હતી. પંચાયત ચૂંટણીમાં એક મહિલા ઉમેદવારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર સતામણીનો આરોપ લગાવ્યો હતો. મહિલાનો આરોપ છે કે 8 જુલાઈએ પંચાયત ચૂંટણીના દિવસે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો તેને બળજબરીપૂર્વક મતદાનમથકની બહાર લઈ ગયા, તેના કપડાં ફાડી નાખ્યા અને નિર્વસ્ત્ર કરીને તેની છેડતી કરી. જો કે, બંગાળના ડીજીપી મનોજ માલવિયએ શુક્રવારે કહ્યું કે આ કેસમાં 14 જુલાઈએ જ એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી.