બંગાળને લઈને એ આશંકા સાચી સાબિત થવી ચિંતાજનક પણ છે અને રાષ્ટ્રીય શરમનો વિષય પણ કે ત્યાં ચૂંટણી બાદ હિંસા થઈ શકે છે. બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો ચૂંટણી પહેલાં જ ચાલુ થઈ ગયો હતો. રાજ્યમાં હિંસાની અનેક ઘટનાઓ ચૂંટણી દરમ્યાન પણ જોવા મળી અને હવે ચૂંટણી ખતમ થઈ ગયા બાદ પણ હિંસા ચાલુ જ છે.
તૃણમૂલ કોંગ્રેસ સમર્થક વિરોધી દળો અને વિશેષ રૂપે ભાજપી નેતાઓ અને કાર્યર્ક્તાઓને નિશાનો બનાવી રહ્યા છે. એવું ત્યારે થઈ રહ્યું છે, જ્યારે ચૂંટણી પંચના નિર્દેશ પર બંગાળમાં કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી ૧૯ જૂન સુધી વધારી દેવામાં આવી છે. એવું ચૂંટણી બાદ હિંસાની પ્રબળ આશંકાને જોતાં કરવામાં આવ્યું હતું. એ આશ્ચર્યજનક છે કે બંગાળમાં કેન્દ્રીય સુરક્ષા દળોની ચારસો કંપનીઓ તૈનાત છે અને તેમ છતાં ત્યાં હિંસા થઈ રહી છે. તેનો સીધો અર્થ છે કે આ હિંસા તૃણમૂલ કોંગ્રેસ નેતાઓના ઇશારે થઈ રહી છે. આશ્ર્ચર્ય નહીં કે અરાજક તત્ત્વોને બંગાળ પોલીસનું મૌન સમર્થન હાંસલ હોઈ શકે. તેના અણસાર એટલા માટે છે, કારણ કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી દરમ્યન પણ મોટા પાયે જે હિંસા થઈ હતી, તે બંગાળ પોલીસના મૂકદર્શક બની રહેવાને કારણે થઈ હતી અને એને કારણે જ કેટલાય ભાજપી કાર્યર્ક્તા અને તેના સમર્થકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારે હિંસાનો દોર એટલો ભયાનક હતો કે કેટલીક મહિલાઓ સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યાં હતાં. એ સમયે આતંકનો એવો માહોલ બનાવવામાં આવ્યો હતો કે કેટલાય લોકોએ પોતાનાં ઘરબાર છોડીને પડોશી રાજ્ય અસમમાં આશરો લેવો પડ્યો હતો.
૨૦૨૧માં વિધાનસભા ચૂંટણી બાદ થયેલ હિંસાની નોંધલેતાં કલકત્તા હાઇકોર્ટે સીબીઆઇને હિંસક ઘટનાઓની તપાસ કરવાનું કહ્યું હતું. એ તપાસ દરમ્યાન તૃણમૂલ કોંગ્રેસના કેટલાય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એવું લાગે છે કે આ કાર્યવાહી પણ તૃણમૂલ કોંગ્રેસના અરાજક તત્ત્વોના દુસ્સાહસનું દમન ન કરી શકી. તેનું પ્રમાણ ૨૦૨૩માં પંચાયત ચૂંટણી દરમ્યાન થયેલ ભીષણ હિંસાથી મળ્યું હતું, જેમાં ૩૦થી વધારે લોકોના જીવ ગયા હતા.
આ લોક્સભા ચૂંટણીમાં પણ હિંસાને કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. એ ઠીક છે કે ચૂંટણી બાદ હિંસા પર કલકત્તા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતાં ત્યાં સુધી કહી દીધું કે રાજ્ય સરકાર હિંસા પર લગામ ન લગાવી શકે તો કેન્દ્રીય સુરક્ષા દળોને પાંચ વર્ષ સુધી બંગાળમાં તૈનાત કરવાનો આદેશ આપવો પડશે. હાઇકોર્ટની આ કઠોર ટિપ્પણી બાદ પણ મમતા સરકારને કશી અસર નથી થઈ, કારણ કે તે તમામ દોષ વિરોધી દળો પર નાખી દેછે. વાસ્તવમાં જ્યાં સુધી બંગાળમાં હિંસા માટે મમતા સરકારને સીધી રીતે જવાબદાર નહીં ઠેરવવામાં આવે, ત્યાં સુધઈ રાજ્યની હાલત સુધરવાની નથી.