કોલકતા,તાજેતરમાં જ મણિપુરના વાઈરલ વીડિયોએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. હજુ તો દેશ આ વિશે શરમ અનુભવી રહ્યો છે તો પશ્ર્ચિમ બંગાળમાં પણ મહિલા સાથે હિંસાનો મામલો સામે આવ્યો છે. બંગાળમાં મહિલા સાથે હિંસા અને નિર્વસ્ત્ર થઈને ગામમાં ફેરવવાનો મામલો સામે આવ્યો છે. મહિલા ગ્રામ પંચાયતની મહિલા ઉમેદવાર છે અને તેમણે તૃણમૂલ કોંગ્રેસના કાર્યર્ક્તાઓ પર આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ જે દિવસે પશ્ર્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી હતી તે દિવસે આ ઘટના બની હતી. આ મામલે પોલીસમાં એફઆઇઆર પણ નોંધાઈ છે. મહિલાએ તૃણમૂલના કાર્યર્ક્તાઓ પર આરોપ નોંધાવ્યો છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે તૃણમૂલના લગભગ ૪૦ ઉપદ્રવીઓએ માર માર્યો અને મારી છાતી અને માથા પર લાકડીઓ મારી અને મને મતદાન કેન્દ્રની બહાર ફેંકી દીધી. મહિલાએ આગળ કહ્યું કે તે લોકોએ મારા કપડા ફાડવાનો પ્રયત્ન કર્યો અને મને નગ્ન કરવા મજબૂર કરી. મારા સાથે દરેકે છેડછાડ કરી અને મને ગંદી રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયત્ન કર્યો. એફઆઇઆરની કોપીમાં તૃણમૂલ ઉમેદવાર હેમંત રાય, નૂર આલમ, અલ્ફી એસકે, રણબીર પાંજા સંજૂ, સૂકમલ પાંજા સહિત ઘણા લોકોના નામ છે.
આ મુદ્દે ભાજપના સહપ્રભારી અમિત માલવીયએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીને શરમ છે કે નહીં? તમારા રાજ્યના સચિવાલયથી થોડા જ અંતરે આવા પ્રકારની ઘટના થઈ છે. તેઓ એક નિષ્ફળ સીએમ છે અને તેમણે પોતાના બંગાળ પર ધ્યાન આપવું જોઈએ.