કોલકતા, પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ અને રાજ્યની સત્તાધારી પાર્ટી ટીએમસીના કાર્યર્ક્તાઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ છે. આ અથડામણ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક અને રાજ્ય સરકારના મંત્રી ઉદયન ગુહાની હાજરીમાં થઈ હતી. બંગાળ પોલીસે જણાવ્યું કે મંગળવારે રાત્રે કૂચ બિહાર જિલ્લાના દિનહાટા શહેરમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વચ્ચે અથડામણ અને પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા.
તૃણમૂલ કોંગ્રેસના દિનહાટાના ધારાસભ્ય અને મમતા સરકારમાં ઉત્તર બંગાળના વિકાસ મંત્રી ઉદયન ગુહા અને કૂચબિહારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિકે એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. જો કે, બંને નેતાઓએ સ્વીકાર્યું છે કે જ્યારે અથડામણ થઈ ત્યારે તેઓ ત્યાં હાજર હતા.
ચૂંટણી પંચે સાત તબક્કામાં લોક્સભાની ચૂંટણી યોજવાની જાહેરાત કર્યા બાદ પશ્ચિમ બંગાળમાં આ પ્રથમ રાજકીય હિંસા છે. રાજ્યમાં આવી હિંસાનો લાંબો રેકોર્ડ છે. ઘણીવાર હરીફ રાજકીય પક્ષોના સમર્થકો એકબીજા સાથે અથડામણ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને પક્ષોના કાર્યકરોને વિખેરવાનો પ્રયાસ કરતી વખતે એક પોલીસ અધિકારીને માથામાં ઈજા થઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અથડામણ દરમિયાન ઘણી દુકાનોને નુક્સાન થયું હતું.
આ ઘટનાના વિરોધમાં ટીએમસીએ બુધવારે સવારથી દિનહાટામાં ૨૪ કલાકના બંધનું એલાન આપ્યું છે, જ્યારે બીજેપી કાર્યર્ક્તાઓએ રાજ્ય સરકારના મંત્રી ઉદયન ગુહાની ધરપકડની માંગ સાથે દિનહાટા પોલીસ સ્ટેશનની બહાર આંદોલન શરૂ કર્યું છે. દરમિયાન ચૂંટણી પંચે આ ઘટના અંગે રિપોર્ટ મંગાવ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયેલા અને ૨૦૧૯માં કૂચબિહાર લોક્સભા સીટ જીતીને કેન્દ્રીય મંત્રી બનેલા નિસિથ પ્રામાણિકે આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ સંસદીય ક્ષેત્રમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ઉદયન ગુહાના સમર્થકોએ કોઈપણ ઉશ્કેરણી વિના તેમની ટીમ પર હુમલો કર્યો હતો.
પ્રામાણિકે કહ્યું, અમે એક કાફલામાં આગળ વધી રહ્યા હતા જેને રોકી દેવામાં આવ્યો હતો. જ્યારે મેં ગુહાને તેમના સમર્થકોને અમારા કાર્યકરોને મારવાનું કહેતા જોયા ત્યારે મને મારી કારમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. એવા સમયે જ્યારે શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગુહા હિંસા ભડકાવી રહ્યા છે. જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ગુહા સ્થાનિક વેપારી સમુદાયને કહી રહ્યા છે કે જે કોઈ પણ ભાજપને સમર્થન કરશે તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
કેન્દ્રીય મંત્રીના આરોપોનો જવાબ આપતા રાજ્ય સરકારના મંત્રી ઉદયન ગુહાએ કહ્યું કે, હું મારા જન્મદિવસ નિમિત્તે કાર્યકરો દ્વારા આયોજિત કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો. પ્રામાણિકનો કાફલો આવ્યો ત્યારે હું રસ્તા પર ઊભો હતો. તેઓએ અમારા પર તીર છોડ્યા અને કોઈપણ ઉશ્કેરણી વિના અમારા કાર્યકરોને મારવાનું શરૂ કર્યું. જોકે, સ્થાનિક પોલીસે દિનહાટા માર્કેટ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.