બંગાળમાં અલકાયદા સાથે જોડાયેલ શખ્સની ધરપકડ, આતંકી જૂથમાં ભરતી કરાવતો હતો


જેમની ધરપકડ કરાઇ હતી તેઓએ તેનાં છૂપાવાના સ્થળ અંગે માહિતી આપી હતી.

કોલકતા,
ત્રાસવાદી જૂથ અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબ કોન્ટીનરના સભ્ય મનાતા એક ૨૦ વર્ષના શખ્સની ૨૪ પરગણા જિલ્લાનાં મથુરાપુર ગામેથી પોલીસે તેના છૂપાવવાના સ્થળ સુધી પહોંચી જઈ ધરપકડ કરી હતી. તેની ધરપકડ કરવા પોલીસે શનિવારે રાત્રે આબાદ છટકું ગોઠવ્યું હતું. ધરપકડ કર્યા પછી પોલીસે તેની રીમાન્ડ માગી હતી જે પ્રમાણે તા. ૧૪મી સુધીની કોર્ટે રીમાન્ડ પણ મંજુર કરી હતી.

આ અંગે કોલક્તા પોલીસનાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે તેની પહેલાં જેમની ધરપકડ કરાઇ હતી તેઓએ તેનાં છૂપાવાના સ્થળ અંગે માહિતી આપી હતી. તે ઉપરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉપર ખોટા આઇડી કાર્ડ બનાવવાના અને આતંકી જૂથમાં અન્ય યુવાનોની ભર્તી કરવાના તથા તે આતંકીઓને પાયાની જરૂરિયાતો પહોંચાડવાના આરોપો છે. તેને પકડવા માટે મથુરાપુરમાં શનિવારે રાત્રે જ એક છટકું ગોઠવ્યું હતું જેમાં તે આબાદ ફસાઈ ગયો હતો. અને તેનાં છૂપાવાનાં સ્થળમાંથી બહાર આવ્યો કે તુર્ત જ તેની ધરપકડ કરવામાં આવી હતી. અમે તે કાર્યવાહી એટલી ઝડપથી કરી હતી કે તેને માટે નાસવાની કે શો દ્વારા સામનો કરવાની પણ તક મળી ન હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, શનિવારે સાંજે એસટીએફે સૌથી પહેલા અઝીઝુલ હકની મથુરાપુર સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી. અઝીઝુલની પૂછપરછમાં મનીરુદ્દીન ખાનનો ખુલાસો થયો હતો, જેણે પાડોશી બાંગ્લાદેશમાં પ્રતિબંધિત સંગઠન અલ કાયદા તેમજ અંસારુલ્લા બાંગ્લા ટીમ માટે આ વિસ્તારમાં મુખ્ય લોજિસ્ટિક્સ એજન્ટ તરીકે કામ કર્યું હતું. જે બાદ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મનિરુદ્દીન ખાન (૨૦) મુખ્યત્વે બનાવટી ભારતીય ઓળખ કાર્ડ, મોબાઇલ સિમ કાર્ડ, બેંક ખાતાઓની વ્યવસ્થા કરવામાં અને બાંગ્લાદેશથી આવતા અલ કાયદાના સભ્યોને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવામાં સામેલ હતો. તે ઇન્ટરનેટ મીડિયા દ્વારા સ્થાનિક યુવાનોમાં અલ કાયદાનો સંદેશ ફેલાવવામાં અને પ્રતિબંધિત સંગઠનમાં જોડાવા માટે પ્રલોભિત કરવામાં પણ સામેલ હતો.

તમને જણાવી દઈએ કે બંગાળના અલગ-અલગ વિસ્તારોમાંથી અલકાયદા સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવાની પ્રક્રિયા આ વર્ષે ૧૭ ઓગસ્ટથી શરૂ થઈ હતી જ્યારે એસટીએફએ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બારાસત બ્લોકના સરસાન ગામમાંથી બે આતંકવાદીઓ રકીબ સરકાર અને કાઝી અહસાનુલ્લાની ધરપકડ કરી હતી.