બંગાળમાં ૫૦ લાખ હિંદુઓને લોક્સભાની ચૂંટણીમાં મતદાન કરવા દેવામાં આવ્યું ન હતું, સુવેન્દુ અધિકારી

પશ્ર્ચિમ બંગાળની ૪ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી છે. અગાઉ લોક્સભા ચૂંટણીમાં પણ ટીએમસીએ ૨૯ બેઠકો જીતી હતી. પશ્ર્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યમાં ચૂંટણી પછીની હિંસા પર મમતા સરકાર પર નિશાન સાયું છે.

સુવેન્દુ અધિકારીએ કહ્યું, ’બંગાળમાં લોકશાહી મરી ગઈ છે. અમે આજથી જન આંદોલન શરૂ કર્યું છે. લોક્સભા ચૂંટણીમાં લગભગ ૫૦ લાખ હિંદુઓને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. રાજ્યમાં યોજાયેલી ૪ પેટાચૂંટણીઓમાં ૨ લાખથી વધુ હિન્દુઓને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હું એક પોર્ટલ શરૂ કરી રહ્યો છું. જેમને મતદાન કરવાની મંજૂરી ન હતી તેઓ પોતાની નોંધણી કરાવી શકે છે અને સંપૂર્ણ ગોપનીયતા સુનિશ્ર્ચિત કરવામાં આવશે. હું કાનૂની લડાઈ પણ શરૂ કરીશ.

રાજ્યમાં ચૂંટણી પછીની કથિત અથડામણો સામે ભાજપના નેતા સુભેન્દુ અધિકારી અને પાર્ટીના કાર્યકરોએ રવિવારે રાજભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશ્ર્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને તાપસ રોય, રુદ્રનીલ ઘોષ સહિત ભાજપના ૩૦૦ કાર્યકરોએ વિરોધમાં ભાગ લીધો હતો.

કલકત્તા હાઈકોર્ટે ભાજપને ૧૪ જુલાઈના રોજ સવારે ૧૦ વાગ્યાથી ચાર કલાક સુધી રાજભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી હતી. અધિકારીએ કલકત્તા હાઈકોર્ટમાં રાજભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી માંગી હતી. સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીએ ગયા વર્ષે ૫ ઓક્ટોબરના રોજ આ જ જગ્યાએ આવા જ વિરોધનું નેતૃત્વ કર્યું હતું.