બંગાળ-બિહાર સરહદ નજીક રેલ અકસ્માત: કાંચનજંગા એક્સપ્રેસ પાછળથી માલસામાન ટ્રેન સાથે અથડાતા ૧૫ લોકોના મોત

  • ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૨ લાખઅને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત.

બિહાર-બંગાળ બોર્ડર પાસે સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ (૧૩૧૭૪)ને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાંજનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ અફરાતફરી મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે રંગા પાણી અને નિજબારી પાસે થયેલા અકસ્માતમાં ત્રણ બોગીને ખરાબ રીતે નુક્સાન થયું છે આ અકસ્માતમાં ૧૫ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અધિક પોલીસ અધિક્ષક અભિષેક રોયે કહ્યું કે કાંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં ૧૫ લોકોના મોત થયા છે. જ્યારે ૩૦ લોકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટી દુર્ઘટના થઈ છે. નિજબારીથી થોડે દૂર ટ્રેન ઊભી હતી. અચાનક પાછળથી એક માલગાડીએ ટક્કર મારી. અકસ્માત એટલો ભયંકર હતો કે બે બોગી એક બીજા પર ચડી ગઈ હતી. માલગાડીનો એક ડબ્બો હવામાં ઉછળી ગયો.મુસાફરોનું કહેવું છે કે અમે ટ્રેનમાં બેસીને વાત કરી રહ્યા હતા. અચાનક પાછળથી જોરદાર ફટકો પડ્યો. કંઈ સમજાય તે પહેલા ટ્રેનમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોની ચીસોનો અવાજ આવ્યો. આ પછી જ્યારે અમે બહાર આવ્યા અને જોયું તો ટ્રેનની ત્રણ બોગી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. દુર્ઘટના બાદ રેલવેની કામગીરી ઠપ થઈ ગઈ છે. અહીં, રેલવે દ્વારા એક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે. ટ્રેન દુર્ઘટના પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દુર્ઘટનાના પીડિતોને આપવામાં આવતી એક્સ-ગ્રેશિયાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મૃતકના પરિજનોને ૧૦-૧૦ લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને ૨.૫-૨.૫ લાખ રૂપિયા અને નાની ઈજાગ્રસ્તોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. રેલ્વે બોર્ડના ચેરપર્સન અને સીઈઓ જયા વર્મા સિન્હાએ કહ્યું કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ અકસ્માતમાં સિગ્નલની અવગણના કરનાર ગુડ્સ ટ્રેનના ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવરની સાથે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનના ગાર્ડનું પણ મોત થયું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને ૨ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. જ્યારે ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે. દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખ્યું- પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી પાસે ટ્રેન દુર્ઘટનાથી હું દુખી છું. દુ:ખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં જે ટ્રેન દુર્ઘટના થઈ તે ખૂબ જ દુ:ખદ છે. આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને સોશિયલ મીડિયા પર લખ્યું- પશ્ર્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના દુ:ખદ છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. તેમણે અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ પણ અકસ્માત સ્થળ પર જઈ રહ્યા છે. ઉપાયક્ષ જગદીપ ધનખરે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને લખ્યું કે પશ્ર્ચિમ બંગાળના દાજલિંગમાં ટ્રેન દુર્ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા તે ખરેખર દુ:ખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું, અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ ભવનના સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું મારા વિચારો અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની અને રાહત અને બચાવ કામગીરીમાં સફળતાની કામના કરું છું. બિહારના આરજેડી નેતા ભાઈ વીરેન્દ્રએ ઘટના માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું, જે દેશમાં રેલ્વેનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે, ત્યાં અકસ્માતો થવાનું જ છે. અગાઉ કોંગ્રેસ અને યુપીએ સરકારના સમયમાં જ્યારે પણ અકસ્માતો થતા હતા ત્યારે મંત્રીઓ પોતે રાજીનામું આપતા હતા. હવે આવી ઘટનાઓ પછી મંત્રીઓ રાજીનામું આપતા નથી. આ સરકાર પાસેથી આશા છે, જે આ ઘટનાઓ માટે જવાબદાર છે.ત્રિપુરાના મંત્રી સુશાંત ચૌધરીએ જણાવ્યું હતું કે, સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ આજે સવારે ૮:૫૦ વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. ભારત સરકાર, પીએમ રેલ્વે મંત્રી અને અમારા મુખ્યમંત્રી પણ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.