બાંધકામ સાઇટ પર કાટમાળ નીચે દબાઈ જતા ૨ મજૂરના મોત, એક ગંભીર

થાણે,

મહારાષ્ટ્રના થાણેના નૌપાડામાં એક બાંધકામ સ્થળ પર માટી ધસી પડતાં બે મજૂરો કાટમાળ નીચે દબાઈ જતા મૃત્યુ પામ્યા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે થાણે જિલ્લાના નૌપાડામાં એક બાંધકામ સ્થળ પર માટી પડતાં બે મજૂરોના મોત થયા હતા. તો બીજી તરફ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા અવિનાશ સાવંતે જણાવ્યું હતું કે આ ઘટના બી કેબિન વિસ્તારમાં રાત્રે ૮:૧૫ વાગ્યે બની હતી. તેમણે કહ્યું, ત્રણ મજૂરોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બે મજુરને તબીબોએ મૃત જાહેર કર્યા.જો કે હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

થોડા દિવસો અગાઉ ઉતરપ્રદેશના ભદોહીમાં એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થવાને કારણે બે માસૂમ ભાઈઓના મોત થયા હતા. રસ્તાની બાજુમાં બનેલા આ મકાનને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ઘરની આખી દીવાલ નીચે આવી જતા બંને ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા. માહિતી મળતા પોલીસે બંનેના મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા હતા. ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. ચિચિયારીઓ સાંભળીને સંબંધીઓ અને આસપાસના લોકો ત્યાં પહોંચ્યા અને કાટમાળ હટાવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ અકસ્માતમાં બંને સાચા ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા.