વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિક પહેલા અમદાવાદ સહિતના શહેરોમાં બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની જીવનશૈલી બદલાય તે માટે ગુજરાત સરકાર રૂ.૨૦૦ કરોડની ’શ્રમિક રૈન બસેરા’ યોજનાને અમલમાં મુકશે.પ્રથમ તબક્કે અમદાવાદ, સુરત, રાજકોટ એમ ૩ સ્થળે ૧૨,૮૪૩ શ્રમિકોના રહેઠાણની ક્ષમતા ધરાવતી ૧૭ કોલોનીઓ માટે ૧૮મી જૂલાઈને ગુરૂવારે મુખ્યમંત્રીના હસ્તે ખાતમૂર્હત થશે.
રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે મય ગુજરાત ઉપરાંત સૌથી વધુ શ્રમિકો રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ, મયપ્રદેશથી આવે છે. જેઓ ટૂંકી મુદ્દત માટે બાંધકામ સાઈટ આસપાસ રહી રોજગાર મેળવે છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં ૧૧ લાખથી વધુ શ્રમિકો નોંધાયેલા છે. અધિકાંશ શ્રમિકોને રહેવા અયોગ્ય વ્યવસ્થાથી ગંદકી, રોગચાળો અને માનવ અધિકાર ભંગ, શોષણ, સામાજીક દુષણોને ઉત્તેજન મળે છે.
આથી સરકારે વિકસિત દેશોની જેમ લેબર હોસ્ટલ ઉભી કરવા નિર્ણય કર્યો છે. જ્યાં ૨૪ કલાક લાઈટ પાણી, સતત સ્વચ્છતા માટે મેન્ટેઈનન્સ વ્યવસ્થા રહેશે. નોંધાયેલા શ્રમિકોને મહત્તમ છ મહિના આશ્રય મળશે. આદિવાસી ક્ષેત્રોના શ્રમિકો પરીવાર સાથે હોય તો રસોડા સાથે મકાનો ફાળવાશે. જેમાં પાંચ વર્ષ સુધી બાળકો માટે ભાડુ લેવામાં આવશે નહી. નજીકમાં અન્નપૂર્ણા રથ રહેશે જ્યાંથી પાંચ રૂપિયામાં ભોજન પણ મળી શકશે. સાથે બાંધકામ સાઈટે આવાગમન માટે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાશે.