બંધારણીય સંકટ:કોર્ટના આદેશ પછી શાહબાજ ફસાયા, હવે સત્તા બચાવવા સૈન્યના શરણે

ઈસ્લામાબાદ,આર્થિક -રાજકીય સંકટથી ગ્રસ્ત પાકિસ્તાનમાં હવે ન્યાયતંત્ર સાથે ખેંચતાણ બાદ બંધારણીય સંકટની સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ સંકટની સ્થિતિ દેશના સૌથી મોટા પંજાબ પ્રાંતમાં ૧૪મી મેના દિવસે ચૂંટણી યોજવાને લઇને સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ સર્જાઇ છે. વડાપ્રધાન શાહબાજ શરીફના નેતૃત્વમાં કેબિનેટે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણી યોજવાના સુપ્રીમકોર્ટના આદેશને ફગાવી દીધો છે. આ મામલે ગુરુવારે ઇસ્લામાબાદમાં સત્તારૂઢ ગઠબંધન (પીડીએમ)ના નેતાઓ સાથે શાહબાજે બેઠક પણ યોજી હતી. હવે શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક છે, જેમાં ટોચના સૈન્ય અધિકારી પણ હાજર રહેશે.

લંડનમાં રહેતા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા નવાઝ શરીફે આ મુદ્દે કહ્યું છે કે સંસદે ચીફ જસ્ટિસ બંદિયાલ, જસ્ટિસ ઇજાજુલ તેમજ જસ્ટિસ મુનીબ અખ્તરની સામે તિરસ્કારની કાર્યવાહી કરવી જોઇએ. કોર્ટે વિધાનસભાને અક્ષમ અને નિરર્થક બનાવી દીધી છે. પાકિસ્તાનનું ન્યાયતંત્ર પક્ષપાતી છે. પૂર્વ સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને ફેજ હામિદે પીટીઆઇ પ્રમુખ ઇમરાન અને સુપ્રીમકોર્ટના ન્યાયધીશો-સાકિબ નિસાર, અજમત સઇદ શેખ, જસ્ટિસ અહેસાનની સાથે આસિફ સઇદ ખોસા તેમજ જસ્ટિસ બંદિયાલે ૨૦૧૭માં તેમને સત્તાથી દૂર કરવા માટે કાવતરાં ઘડ્યાં હતાં. સરકારના સાથી પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-જરદારીએ કહ્યું છે કે જજની મોટી બેન્ચ બનાવવાની જરૂર છે.

રાજકીય નિષ્ણાત અલી ફુરકાને ભાસ્કર સાથે વાત કરતા કહ્યું છે કે વર્તમાન રાજકીય સ્થિતિને જોતાં આવનાર દિવસોમાં દેશમાં રાજકીય માહોલ વધારે ઉગ્ર અને હિંસક બનશે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી તેમના ટોચના નેતા નવાઝ શરીફ પરત ફરતા નથી ત્યાં સુધી સરકાર ચૂંટણી કરાવવા ઇચ્છુક નથી. સાથી પીડીએમ પાર્ટી ચૂંટણીમાં વિલંબ થાય તેમ ઇચ્છે છે. જોકે સતત આ બાબત તેમના માટે શક્ય બનશે નહીં. કાયદાકીય નિષ્ણાત મોહિજ જાફરીનું કહેવું છે કે સરકારે કાયદાકીય રીતે અપીલ કરવાના અધિકાર મેળવી લીધા છે, જેથી તે સર્વોચ્ચ અદાલતમાં સમીક્ષા અરજી કરશે અને પૂર્ણ બેન્ચમાં સુનાવણીની માંગણી કરશે.

પાકિસ્તાની સંસદના નીચલા ગૃહમાં કોર્ટના ચુકાદાની વ્યાપક ટીકા થઇ છે. સત્તારૂઢ ગઠબંધને એક સંકલ્પ પસાર કરીને આ ચુકાદાને કોઇ પણ કિંમતે અમલી ન કરવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દાની સમીક્ષા માટે કોર્ટની સંપૂર્ણ બેન્ચની માંગણી કરવામાં આવી છે. બીજી બાજુ પીટીઆઇ નેતા ઇમરાન ખાને કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે શરીફ પરિવારનો ઇતિહાસ રહ્યો છે. આ પરિવાર સ્વતંત્ર ન્યાયપાલિકાને સ્વીકાર કરશે નહીં.

પાકિસ્તાન તહેરિક-એ- ઇન્સાફ (પીટીઆઇ) પ્રમુખ ઇમરાને જાન્યુઆરીમાં પંજાબ અને ખૈબરપખ્તુનખ્વા પ્રાંતોમાં પ્રાંતીય વિધાનસભાઓને વિખેરી નાંખવાની યોજના બનાવી હતી, એ વખતે સરકારે તેમના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. પાકિસ્તાનના બંધારણ મુજબ વિધાનસભા ભંગ થયાના ૯૦ દિવસ બાદ ચૂંટણી યોજી શકાય છે. જોકે, ચૂંટણીપંચે વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર ન કરતા વિવાદની શરૂઆત થઇ હતી.