બંધારણમાં સુધારા માટે બે તૃતીયાંશ બહુમતી આપો : ભાજપ સાંસદ હેગડે

ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેએ એક જનસભામાં સંબોધન કરતી વેળાએ બંધારણમાં સુધારા કરવા અને કોંગ્રેસ દ્વારા કરાયેલી વિકૃતિઓ અને બિનજરૂરી જોગવાઈઓને યોગ્ય કરવા માટે ભાજપને સંસદનાં બંને ગૃહમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર છે, તેવું નિવેદન કર્યું હતું.

કર્ણાટકથી છ વાર લોક્સભા સાંસદ રહેલા અનંતકુમાર હેગડેએ કહ્યું કે, જો બંધારણમાં સુધારો કરવો હોય તો, તે માટે પાર્ટીને ૨૦ કરતાં વધારે રાજ્યમાં સત્તામાં આવવું પડશે. ઉલ્લેખનીય છે કે આની પહેલાં પણ અનંતકુમારે બંધારણમાં સુધારાની વાત કહી હતી. તેમના આ નિવેદનથી રાજકીય હોબાળો થયો છે.

જનસભાને સંબોધતાં અનંતકુમારે કહ્યું કે કોંગ્રેસે બંધારણને મૂળ રૂપમાંથી વિકૃત કર્યું છે. ખાસ કરીને એવા કાયદાને જેનો હેતુ હિંદુ સમાજને દબાવવાનો છે. જો આ બધું બદલવું હોય તો અમારી પાસે એટલી બહુમતી નથી. જો આગામી લોક્સભાની ચૂંટણીમાં તમે અમને બે તૃતીયાંશ બહુમતી આપી દો છો તો પછી અમે તેને બદલી નાખીશું. અનંતકુમાર હેગડેએ કહ્યું કે જો રાજ્યસભામાં કોંગ્રેસની સંખ્યા વધે તો ભાજપ સરકાર દ્વારા કરાયેલા કોઈ પણ બંધારણીય સુધારા સંસદમાં પસાર નહીં થાય. તેમણે જનસભામાં કહ્યું કે અબકી બાર ૪૦૦ પાર જ કેમ. અમારી પાસે લોક્સભામાં બે તૃતીયાંશ બહુમત છે, પણ રાજ્યસભામાં અમારી પાસે નથી.

નાગરિક્તા (સુધારો) અધિનિયમનું ઉદાહરણ આપતાં અનંતકુમારે કહ્યું કે તેને લોક્સભામાં અને બાદમાં રાજ્યસભામાં પસાર કરાયો છે. પરંતુ ઘણી રાજ્ય સરકારોએ તેને મંજૂરી નથી આપી તેથી તેને લાગુ નથી કરી શકાતો. હવે સરકાર તેને એક સુધારા દ્વારા લાગુ કરવાની યોજના બનાવે છે. નહીંતર કાયદો અને વ્યવસ્થા હાથમાંથી સરકી જશે અને રાષ્ટ્રવિરોધીઓને ખુલ્લી છૂટ મળી જશે.