બંધારણ-લોક્તંત્રના ખાત્માનો હાઉ

રાહુલ ગાંધી હવે એના પર વધારે ભાર મૂકી રહ્યા છે કે જો મોદી સરકાર સત્તામાં આવી તો લોક્તંત્ર જ ખતમ થઈ જશે અને બંધારણ પણ નહીં બચે! તેઓ પોતાની સભાઓમાં વારંવાર કહી રહ્યા છેકે આ વખતની લોક્સભા ચૂંટણી લોક્તંત્ર અને બંધારણ બચાવવા માટે છે. લોક્તંત્ર અને બંધારણ ખતરામાં હોવાના આરોપો પર વડાપ્રધાને યોગ્ય જ સવાલ કર્યો કે શું જ્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી ત્યારે લોક્તંત્ર ખતરામાં નહોતું આવ્યું? તેમણે કોંગ્રેસને એ પણ પ્રશ્ર્ન કર્યો કે જો બંધારણની કલમ ૩૭૦ એટલી જ સારી હતી તો તેને આખા દેશમાં કેમ લાગુ ન કરી? કોંગ્રેસ પાસે કદાચ જ આ પ્રશ્ર્નોનો જવાબ હોય.

૧૯૪૭માં જ્યારે ભારતને આઝાદી મળી અને બંધારણ સભાની રચના થઈ તો તેના ૨૯૯માંથી ૨૦૮ સદસ્યો કોંગ્રેસના હતા. આ સમિતિમાં હિંદુ મહાસભા તરફથી પ્રમુખ નેતા શ્યામાપ્રસાદ મુખર્જી હતા, જેમણે બાદમાં જનસંઘની સ્થાપના કરી, જેણે ૧૯૮૦માં ભાજપનું રૂપ લીધું. બંધારણ સભામાં કલમ ૩૭૦નો વિરોધ કેટલાય નેતાઓએ કર્યો, તેમાં ડો.આંબેડકર પણ સામેલ હતા. બંધારણમાં કેટલાંય સંશોધનો તેના લાગુ થયાના એક વર્ષની અંદર જ કરવામાં આવ્યાં હતાં, જેમાંથી એક અભિવ્યક્તિની સ્વતંત્રતા સીમિત કરનારું સંશોધન પણ હતું. એ વિચિત્ર છે કે આજે કોંગ્રેસ જ અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતરામાં હોવાની સૌથી વધુ બૂમરાણ મચાવી રહી છે. જ્યારે બંધારણમાં રાજ્ય સરકારોને બરખાસ્ત કરવા સંબંધી કલમ ૩૫૬ સામેલ કરવામાં આવી તો તેનો વિરોધ થયો. આંબેડકરે એ આશાએ આ કલમને બંધારણનો હિસ્સો બનાવી કે તેના ઉપયોગની નોબત બહુ ઓછી આવશે, પરંતુ બધા જાણે છે કે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુથી માંડીને નરસિંહ રાવના સમય સુધી કલમ ૩૫૬નો કઈ રીતે બેફામ અને મનમાફક ઉપયોગ થયો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદીએ સંસદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારોએ લગભગ ૯૦ વખત ૩૫૬નો ઉપયોગ કરીને રાજ્ય સરકારોને ગબડાવી હતી. ઇન્દિરા ગાંધીએ તો લગભગ ૫૦ વખત ૩૫૬નો ઉપયોગ કર્યો હતો. એ પણ છૂપું નથી કે કટોકટી દરમ્યાન કઈ રીતે બંધારણની પ્રસ્તાવનામાંG ‘સેક્યુલર’ અને ‘સમાજવાદ’ શબ્દો ઘૂસાડી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસ બંધારણ ખતમ થવાની બૂમરાણ મચાવે છે તેથી ગત દિવસોમાં વડાપ્રધાને ત્યાં સુધી કહી દીધું કે જો આંબેડકર પણ આવી જાય તો તેઓ પણ બંધારણને ખતમ ન કરી શકે. મોદી જ્યારે પહેલી વાર વડાપ્રધાન બન્યા હતા તો તેમણે સ્પષ્ટ રૂપે કહ્યું હતું કે તેમના માટે સૌથી પવિત્ર પુસ્તક બંધારણ છે અને દેશ એનાથી જ ચાલશે. તેમણે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં સંસદના કેન્દ્રીય કક્ષમાં બંધારણની પ્રતને નમન કરીને તેના પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી. જો ભાજપના નેતૃત્વવાળું એનડીએ ચારસોથી વધુ સીટો પણ મેળવી લે તો પણ એ યાદ રહે કે એવું પહેલી વાર નહીં થાય. રાજીવ ગાંધીના સમયે એકલી કોંગ્રેસે ૪૧૪ સીટો જીતી હતી. જ્યારે કોઈ પક્ષ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવે છે તો તે પોતાના એજન્ડાને લાગુ કરે જ છે. એવું કોંગ્રેસે પણ કર્યું અને ભાજપે પણ. જો મોદી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા અને પોતાના ત્રીજા કાર્યકાળમાં મોટા બદલાવોની વાત કરી રહ્યા છે તો શું એના આધાર પર એવું કહી શકાય કે તેઓ બંધારણ અને લોક્તંત્રને ખતમ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે?

રાહુલ ગાંધી એ આધાર પર પણ લોક્તંત્ર ખતરામાં હોવા અને બંધારણીય સંસ્થાઓને નષ્ટ કરવાનો આરોપ લગાવે છે કે મોદી સરકાર પોતાના લોકોને શીર્ષ સંસ્થાઓમાં નિયુક્ત કરી રહી છે. આ કામ તો દરેક સરકાર કરતી આવી છે! કોંગ્રેસને તો એની ખબર જ હશે! કોંગ્રેસ કે બીજા કોઈ પક્ષ એવી અપેક્ષા કેવી રીતે રાખી શકે કે શીર્ષ પદો પર નિયુક્તિ તેમના હિસાબે થાય? કોંગ્રેસ દ્વારા બંધારણીય સંસ્થાઓના ભગવાકરણના પણ આરોપ લગાવવામાં આવે છે. તો શું જે લોકો ભારતીયતાથી ઓતપ્રોત છે અને ભારતીય સંસ્કૃતિની વાત કરે છે, તેમની નિયુક્તિ શીર્ષ પદો પર ન થવી જોઇએ? ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા નેતાઓની ધરપકડ કે પછી તેમના વિરુદ્ઘ તપાસના આધાર પર પણ એમ કહેવામાં આવે છે કે લોક્તંત્ર ખતરામાં છે. લોક્તંત્રને ખતરો તો ખરેખર રાજકીય ભ્રષ્ટાચારથી છે, નહિ કે ભ્રષ્ટ તત્ત્વો વિરુદ્ઘ કરાતી કાર્યવાહીથી. શું દેશમાં એવો કોઈ કાયદો છે, જે એમ કહેતો હોય કે જો કોઈ નેતા કોઈ પદ પર હોય તો તેના વિરુદ્ઘ કાર્યવાહી ન થવી જોઇએ? યાન રહે કે આ કાર્યવાહી ત્યારે જ આગળ વધે છે, જ્યારે અદાલતો એવા નેતાઓને રાહત નથી આપતી. મુશ્કેલી એ છે કે કોંગ્રેસની સાથે મીડિયાનો એક ચોક્કસ વર્ગ પણ લોક્તંત્ર-બંધારણ ખતરામાં હોવાનો હાઉ ઊભો કરી રહ્યો છે. આ હાઉ ઊભો કરીને ન્યાયપાલિકાને પણ પ્રભાવિત કરવાની કોશિશ થઈ રહી છે, એટલે જ થોડા દિવસો પહેલાં ૬૦૦ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને એમ કહ્યું કે એક ખાસ સમૂહ અંગત સ્વાર્થો માટે ન્યાયપાલિકા પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યો છે. આ ખાસ સમૂહ કોણ છે તેની જનતાને ખબર જ હશે.