બનાસકાંઠા: પત્ની સાસરીમાં ન જતા, પતિએ કરી નાંખ્યુ અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ

બનાસકાંઠા, ધાનેરાના રાજેડા ગામનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પતિ અને સાસરીયાઓ દ્વારા પરિણીતાનું મંદિરમાંથી અપહરણ કરવામાં આવ્યું છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. પરિણીતાના પિતાએ તેના જમાઈ સહિત સાત લોકો સામે પોલીસને દીકરીના અપહરણની અરજી કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધાનેરાના રાજેડા ગામના એક મંદિરમાંથી પતિ અને સાસરિયાઓએ પરિણીતાનું બળજબરીપૂર્વક અપહરણ કરી લીધું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, પરિણીતાને પતિ પસંદ ન હતો જેના કારણે તે સાસરીમાં જતી ન હતી. યુવતી હાલ તેના પિતાના ઘરે જ રહેતી હતી. થોડા દિવસ પહેલા પણ પતિ અને સાસરિયાના કેટલાક લોકો પરિણીતાને લેવા માટે ઘરે આવ્યા હતા. ત્યારે પણ પત્નીએ તેમની સાથે જવાની ના પાડી દીધી હતી.

યુવતી સહિત પરિવારના લોકો ધાનેરાના રાજેડા ગામના એક મંદિરમાં ગયા હતા. ત્યાંથી પતિ અને તેની સાથે આવેલા લોકો પત્નીને બળજબરીપૂર્વક લઇ ગયા હતા. મંદિરમાંથી ઢસડીને પરિણીતાને કારમા ઉઠાવી ગયાનો આક્ષેપ પરિણીતાના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. પરિણીતાને માતા,પિતા, પરિજનોની હાજરીમાં જ અપહરણ કરવામાં આવ્યુ છે. આ આખી ઘટના બાદ પરિણીતાના પિતાએ સ્થાનિક પોલીસ મથકમાં જમાઈ સહિત સાત લોકો સામે અરજી કરી છે.