લોક્સભાની ચૂંટણીમાં માત્ર એક બેઠક પર જીતથી કોંગ્રેસની બાજી પલટાઈ છે. બનાસકાંઠામાં જીતથી ગુજરાત કોંગ્રેસ ચર્ચામાં આવ્યું છે. આ કારણે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. ત્યારે હાલ બનાસકાંઠામાં બે નેતાઓ સામસામે આવ્યા છે. દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના નિવેદન બાબતે રાજકારણ શરૂ થયું છે. શિવાભાઈ ભુરિયાના નિવેદનનો જવાબ અખિલ ક્ષત્રિય ઠાકોર એક્તા સમિતિના અયક્ષ નવઘણજી ઠાકોરે આપ્યો છે. આ સાથે જ બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ ફરી એકવાર સામસામે આવ્યું છે.
અખિલ ક્ષત્રિય ઠાકોર એક્તા સમિતિના અયક્ષ નવઘણજી ઠાકોરે જવાબ આપતા કહ્યું કે, શિવાભાઈ ભુરીયાને ૨૦૧૭ની ચૂંટણીમાં દિયોદરમાં ઠાકોર સમાજે જીતાડ્યા હતા. શિવાભાઈ ભુરિયાને મત આપતી વખતે ઠાકોર સમાજે તમને નહોતું પૂછ્યું કે તમે ચૌધરી છો તો મત ન અપાય. શિવાભાઈ ભુરિયા જેવા કોમવાદી તત્વો જાતિવાદી કીડાઓ સમાજોની એક્તામાં સળી ચાંપવાનું કામ કરે છે. બનાસકાંઠાનું રિઝલ્ટ અમારું ટ્રેલર છે, ૨૦૨૭માં પિક્ચર આવશે. બનાસકાંઠામાં ગેનીબેનની જીતમાં સર્વ સમાજનો સહયોગ છે. ૨૦૨૭માં ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, માલધારી સમાજ અને વિકાસથી વંચિત સમાજો ભેગા થઈને વિધાનસભાની ૧૧૧ સીટો લાવી ગુજરાતમાં સરકાર બનાવશું.
તાજેતરમાં બનાસકાંઠાના થરાદમાં ખેંગારપુરામાં આંજણા સમાજની ગંગાથાળીના પ્રસંગ યોજોયો હતો. જેમાં દિયોદરના પૂર્વ ધારસભ્ય શિવાભાઈ ભુરિયાએ કહ્યું હતું કે, પરથી ભટોળ અને વિપુલ ચૉધરી બંને વઢયા અને ફેડરેશન ગુમાવ્યું. આવી ઘણી બાબતો સમાજે વિચારવાની જરૂર છે. ૮૫ ની ચૂંટણી યાદ છે, બે ગાડીઓ પોલીસની આગળ અને પાછળ હતી ત્યારે પ્રચાર કરવા નીકળી શક્તા. અમરસિંહ ચૉધરીની સરકાર હતી અને પરબતભાઈએ રજુઆત કરી અને તેમ બધાં જાગૃત થયા છો. આપણે એવા છીએ કે આપણા સમાજ માંથી કોઈ નિવૃત્ત થઈ જાય તો આપણે એ બાજુ ટક્તાય નથી અને જો કોઈ દબાવે તો આપણે રવાના થઈ જવા તૈયાર થઈ જઈએ છીએ. સમાજની વાત આવે તો બધાએ એક થઈને એક્તા રાખીને સમાજનું કામ કરવું ખુબજ જરૂરી છે. હું કોઈથી ડર્યો નથી જેને પણ કહેવું હોય એ મોઢા ઉપર કીધું છે.
આમ, વિધાનસભાની ચૂંટણીને લઈને શિવાભાઈ ભુરિયાનું દર્દ છલકાયુ હતું. તેમણે આગળ કહ્યું હતું કે, આ શંકરભાઇ અને પરબતભાઈ બેઠા છે હું કહું છું કે હવે જો આંજણા સમાજની એક્તા ન રહી તો બનાસકાંઠામાં આપણે ભોગવવાનો વારો આવશે. મને ઘણા લોકો કહે છે કે તમે ભાજપમાં આવતા રહો તો હું કહું કે કોંગ્રેસનો જમાનો એવો હતો કે ઇન્દિરા ગાંધી સામે કોઈ બોલવા વાળું ન હતું અને ફરીથી એવો જમાનો આવશે. હું બે વખત વિધાનસભા લડ્યો અને કણબીઓના ૧૦ હજાર વોટ કેશાજીને આપ્યા અત્યાર સુધી કહેતો ન હતો હવે કહું છું.
રાષ્ટ્રવાદના નામે તને વોટ લીધા હવે વખા માંથી તમે બે વોટ લઈ આવો તો ખબર પડે. રાષ્ટ્રવાદ અલગ છે અને સમાજ અલગ છે એટલે સમાજે એક થઈને પરિણામ લાવવું જોઈએ. શિવભાઈએ કહ્યું હતું કે, લોક્સભાની ચૂંટણીમાં કેશાજી ચૌહાણે ક્યાં રેખાબેન ચૉધરીનું નામ નથી લીધું બસ ભાજપને વોટ આપજો તેવું કહ્યું. તો શું કોઈએ કેશાજીનો ફેર પાડ્યો. માવજીભાઈ ધાનેરા માંથી જીત્યા તો શું ફેર પાડ્યો. આ વખતે બધા રબારી સમાજના ભાજપમાં ન રહ્યા અને કોંગ્રેસમાં જતા રહ્યા શું રબારીઓનો ફેર પાડ્યો. અમે સમાજને કેવી રીતે બહાર લાવ્યો છે એ અમને ખબર છે માટે સમાજે એક્તા રાખવી જોઈએ કોઈપણ થાય ઝેર પીને પણ સાથે રહેવું જોઈએ નહીં તો કોઈ તમારો ભાવ નહિ પૂછે.