બનાસકાંઠાના રતનપુરમાં મહિલાની છેડતીનો આરોપ મૂકી ૪ ભાઈના પરિવારને ગામમાંથી કાઢી મૂક્યો

પાલનપુર, બનાસકાંઠાના પાલનપુરના રતનપુર ગામના ૪ પરિવારની ગામમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. મહિલાની છેડતીનો આરોપ લગાવીને ૪ ભાઈઓના પરિવારને ગામમાં ન ઘૂસવાની ધમકી આપવામાં આવી છે. પાછલા ત્રણ-ચાર મહિનાથી ચારેય ભાઈઓ અમદાવાદ, ડીસા કે અન્યત્ર પરિવાર સાથે રહેવા મજબૂર બન્યા છે.

પીડિત પરિવારે તાલુકા પોલીસ અને ડીએસપી કચેરીમાં પોલીસ રક્ષણ આપવા રજૂઆત કરી છે. પરંતુ અત્યાર સુધી પોલીસ રક્ષણ ન મળતા છેવટે કલેક્ટર કચેરીએ પરિવારજનો સાથે રજૂઆત માટે પહોંચ્યા છે. પીડિતોએ ન્યાય ન મળે તો કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ ઝૂંપડી બાંધીને રહેવાની ચીમકી ઉચ્ચારી છે.