પાલનપુર, બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ(પીપળી) ગામે છેલ્લા ૨ દિવસમાં ૫ થી વધુ પશુઓના અચાનક મોતને લઇ હડકંપ મચ્યો છે. જો કે ઘટનાની જાણ ડેરીના પશુપાલન વિભાગને કરાતા ડેરીની વિઝીટ વાન ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા ખરવા, મોવાસા નામના રોગથી આ પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે વિસ્તારમાં અંદાજીત ૫૦૦ થી વધુ પશુઓ ખરવા, મુવાસા રોગનો ભોગ બન્યા હોવા છતાં હજુ પણ તંત્રનો પશુપાલન વિભાગ વિસ્તારમાં ન પહોંચ્યુ હોવાના સ્થાનિક ખેડૂતો દ્વારા આક્ષેપો કરાયા છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભાગળ (પીપળી) ગામે છેલ્લા ૨ દિવસમાં અંતરભાઈ નામના પશુપાલકના એક જ વાડામાં ૫ પશુઓના મોત નીપજી જતા ચકચાર મચી છે. જોકે આજે વહેલી સવારે એક પશુનું મોત નીપજતા વાડાના માલીક દ્વારા ઘટનાની જાણ ડેરીની વિઝીટ વાનને કરાઈ હતી. અને તેને પગલે બનાસ ડેરીની વિઝીટ ઘટના સ્થળે પહોંચી તો પશુનું મોત ખરવા – મોવાસા રોગને કારણે નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. તો આજ વાડામાં હજુ પણ ૮-૯ પશુઓ ખરવા – મોવાસા રોગનો ભોગ બનેલા હોવાનું સામે આવતા જ હડકંપ મચ્યો છે.
પશુપાલક અંતરભાઈએ જણાવ્યું કે, આ રોગથી મારા ૫ પશુઓ મરી ગયા છે અને હજુ ૮-૧૦ પશુઓ આ રોગની ઝપેટમાં છે. તો અન્ય પશુપાલક સુલતાનભાઈએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં ૫૦૦ થી વધુ પશુ આ રોગની ઝપેટમાં છે. ખારવા મોવાસાના રોગને કારણે પશુઓના મોત થઈ રહ્યા છે જોકે ડેરી કે પશુપાલન વિભાગ બેદરકારી દાખવી રહ્યું છે.
મહત્વની વાત છે કે બે દિવસમાં અંતર ભાઈના વાડામાં જ પાંચ જેટલા પશુઓના મોત નીપજ્યાં છે તો સાથે જ તેમના વાડામાં બાંધેલા ૮ થી નવ પશુઓ ખરવા- મોવાસાના ભોગ બન્યા છે. જોકે સ્થાનિકોના જણાવવા અનુસાર ભાગળ સહીત આસપાસના અનેક ગામો મળી આ વિસ્તારમાં ૫૦૦થી વધુ પશુઓ ખરવા – મોવાસા રોગના ભોગ બન્યા હોવા છતાં પશુપાલન વિભાગ દ્વારા કોઈપણ જાતનો સર્વે ન કરાતા સ્થાનિકોમાં રોસ ભભૂકી ઉઠ્યો છે. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે કે બનાસ ડેરીની વિઝીટ વાનોમાં અનેક વાર વિઝીટ લખાવવા છતાં પણ તબીબો આવતા નથી અને તેને કારણે પશુઓની સારવાર ન થતા પશુઓ મોતને ભેટી રહ્યા છે.
એક તરફ પશુપાલકો પશુપાલન વિભાગ અને બનાસ ડેરીની બેદરકારી પર આક્ષેપો કરી રહ્યા છે તો બીજી બાજુ બનાસકાંઠાના પશુપાલન અધિકારી જે પશુપાલકોએ રસીના સમયે રસી નથી મુકાવી તે પશુપાલકોના પશુઓને જ આ રોગ થઈ રહ્યો હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે અત્યારે તો ખરવા-મોવસા રોગમાં અનેક પશુઓના મોત થઈ રહ્યા છે જેને લઇ પશુપાલન વિભાગ દોડતું થયું છે ત્યારે જોવું રહ્યું કે હવે પશુપાલન વિભાગ દ્વારા મોતના મુખમાં ધકેલાતા પશુઓને બચાવવા શું કામગીરી કરાય છે. આ રોગ શિયાળામાં જોવા મળતો હોય છે જે પશુપાલકોએ પોતાના પશુઓને રસી નથી મુકાવી. રસી મુકાવી જરૂરી છે.