બનાસકાંઠામાંથી ફરીથી ડુપ્લિકેટ ઘી ઝડપાયું,કુલ ૭૧,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

બનાસકાંઠામાં જિલ્લા ફૂડ વિભાગે શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી ઝડપ્યું છે. ડેરી રોડ પર આવેલા ગોડાઉનમાંથી ઘી ઝડપાયું છે. ડેરી રોડ પરના ગોડાઉનમાંથી ૧૮૦ કિલો મળીને કુલ ૭૧,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અનમોલ નામની કંપનીમાથી ડુપ્લિકેટ ઘી ઝડપાયું છે. ફૂડ વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે.

આ પહેલા પણ પાલનપુરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસાની બે પેઢીઓ પર દરોડા પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે માહિતીના આધારે ડીસાના પી.એન. ઈન્ડ્સ્ટ્રીઝ પાર્ક ખાતે પદમનાથ ફૂડ પ્રોડક્ટસમાં દરોડા પાડ્યા હતા જ્યાં પેઢીના માલિક લોમેશ લીંબુવાલાની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. આ સમયે શંકાસ્પદ લાગતો ઘીનું પ્રાથમિક પરીક્ષણ કર્યું હતું જ્યાં ઘીમાં ભેળસેળ હોવાની શંકા જતા સ્થળ પરથી ૧ લાખ ૬૨ હજારની કિંમતનો ૪૫૦ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસાની જ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ કરાતા શંકાસ્પદ ઘી અને એડલટ્રન્ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવ્યું હતું. પેઢીના માલિક દિનેશભાઈ ઠક્કરની હાજરીમાં શંકાસ્પદ ઘીના પાંચ નમૂના લેવાયા પણ ભેળસેળ જણાતા સાડા પાંચ લાખની કિંમતનો ૧૩૫૦ કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે કુલ સાડા નવ લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી પરીક્ષણમાં લેબમાં મોકલાયા છે. આ બતાવે છે કે જાણે બનાસકાંઠા નકલી ઘીના ઉત્પાદનનું હબ બની ગયું છે. બનાસકાંઠામાં કોઈ વર્ષ ખાલી ગયું નહીં હોય જ્યારે નકલી ઘી પકડાયું ન હોય. ફૂડ વિભાગે કદાચ અહીં કાયમ માટે સેન્ટર ખોલવું પડે તેવી સ્થિતિ છે.