બનાસકાંઠામાં વરસાદના વિરામના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ, સિંચાઈની કરી માગ

Banaskantha : બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત છે. ત્યારે વરસાદ ખેંચાવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જિલ્લામાં મગફળી, બાજરી, ગવાર અને ઘાસચારો સહિત અંદાજિત 4 લાખ હેક્ટરમાં પાકનું વાવેતર કરાયું છે. જિલ્લામાં સીઝનનો માત્ર 20 ટકા વરસાદ થયો છે. જે ખેડૂતોએ પ્રથમ વરસાદના ભરોસે વાવેતર કર્યું હતું તેમને હવે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

જિલ્લામાં પાણીનું સ્તર નીચું છે. પાલનપુર, અમીરગઢ, દાંતા, વડગામ અને ધાનેરા સહિતના તાલુકામાં સિંચાઈના પાણી માટેની યોગ્ય વ્યવસ્થા નથી તો પાણી ન મળવાને કારણે પાક બળી જવાની ભીતિ સેવાઈ છે. જો આગામી એક અઠવાડિયામાં વરસાદ ન આવે તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી જશે. કારણ કે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખેડાઈ, મજૂરી સહિત મોટા ખર્ચા કરીને પાકોનું વાવેતર કર્યું છે. પાક બગડશે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ બગડશે.

ઉલ્લેખનીય છે, ચોમાસુ પાકને પૂરતો વરસાદ જોઈએ. આગામી દિવસોમાં તહેવારોનો સીઝન આવી રહ્યો છે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ રહી છે. વરસાદ વિના તો ઘાસચારો પણ ન થઈ શકે. જો કે ઘાસચારાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ખેડૂતો અને પશુપાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ માગ કરી છે, કે સિંચાઈ માટે પાણી પૂરૂં પાડવામાં આવે. મેઘરાજા આગામી 10 દિવસમાં મહેરબાન થાય તો પાકને નવજીવન મળશે. અને પાકને પૂરતું પાણી નહીં મળે તો પાક અને ખેડૂતના ખિસ્સા બંનેને નુકસાન થશે.