બનાસકાંઠામાં પતિએ પત્નીની યાદમાં બંધાવ્યું મંદિર

પાલનપુર,સામાન્ય રીતે લોકો દેવી દેવતાઓ, ભગવાન, સંતો મહંતો, ગુરુજનો કે માતા પિતાનું મંદિર (Temple)  બનાવતા હોય છે, પરંતુ કોઈ પત્નીનું મંદિર બનાવે તેવું તમે ક્યારેય સાંભળ્યું છે ? બનાસકાંઠાના પછાત ગણાતા વિસ્તારમાં મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિએ પોતાની મૃત પત્નીની યાદમાં મંદિર બનાવ્યું છે.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે રહેતા ગોવિંદભાઈ બજાણીયાના વર્ષ 2009માં વર્ષાબેન સાથે લગ્ન થયા હતા. વર્ષાબેનને હૃદયના વાલ્વની બીમારી હતી. 2018માં અચાનક વર્ષાબેનની તબિયત વધુ ખરાબ થતા કોમામાં જતા રહ્યા હતા. તેથી પત્નીની સેવા માટે ગોવિંદભાઈએ નોકરી પણ છોડી દીધી હતી. જ્યારે 2019માં વર્ષાબેનનું અવસાન થતાં ગોવિંદભાઈ પર જાણે આભ તુટી પડ્યું હતું.

વર્ષાબેનને સ્મશાનમાં જ્યાં સમાધિ આપવામાં આવી હતી. ત્યાં ગોવિંદભાઈએ તેમની પત્નીના યાદમાં મંદિર બંધાવ્યું છે. ગોવિંદભાઈ મંદિરની દેખરેખ રાખે છે અને સવાર સાંજ પુજા પણ કરે છે.