
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી ગામે કુવામાં ઉતરેલા ૨ વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મોત મામલે વાત કરવામાં આવે તો, ઓક્સિજનની કમીથી અને ગુંગળાઈ જવાથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દાંતા તાલુકાના મંડાલી ગામે બુધવારે બપોરે ૧ વાગ્યા આસપાસ ગોઝારી ઘટના બનવા પામી હતી. મંડાલી ગામના કુવામાં ઉતરીને બે વ્યક્તિઓ મોટર કાઢવા ગયા હતા અને પછી બહાર ન આવ્યા. કુવામા ઑક્સિજનની કમીથી અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી કુવામા ઉતરેલા બંને લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.
વિગતે વાત કરવામાં આવે તો કુવામાંથી ૨ કલાક બાદ પણ બહાર ના આવતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું અને સાથે એસડીઆરએફ પણ પહોંચ્યું હતું. બંને મૃતદેહને માંકડી પીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ બંદોબસ્ત પણ મોડી રાત સુધી જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ઘટના સ્થળે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારે રેસ્ક્યુ ટીમને પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
નરેશભાઈ કાંતિભાઈ પરમાર અને બચુભાઈ તરાલનું કુવામા ડુબી જવાથી મોત નિપજ્યું હતું. આ બંને મૃતકો જશવંતપુરા અને સનાલી ગામના રહેવાસી છે. કુવો ૭૦ ફૂટ ઊંડો હતો, જેમાં ૧૦ ફુટ જેટલું પાણી ભરેલું હતું. રેસ્ક્યુ ટીમ ઊંડા કુવામાં ઉતરવામા મુશ્કેલી પડતી હતી. રાત્રે મોટી ક્રેન બોલાવી રેસ્ક્યું હાથ ધરવામાં આવ્યું હતું. કૂવાની આજુબાજુ હજારો લોકો એકઠા થયા હતા. ઓક્સિજનના બાટલા પહેરીને એસડીઆરએફની ટીમ કુવામાં ઉતરી સમગ્ર ઓપરેશનને પૂરું પાડ્યું હતું. રાત્રે સાડા દસ વાગ્યે અંબાજી અને પાલનપુરની ફાયર ટીમની ભારે જહેમત દ્વારા મૃતદેહ બહાર કઢાયા હતા. હડાદ પોલીસ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંકડી પીએચસી ખાતે લઇ જવાયા હતા. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી.