પાલનપુર, જેમ જેમ લોક્સભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ બુટલેગરો પણ બેફામ બન્યા છે. બનાસકાંઠામાં સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) ના અધિકારીઓએ માહિતીને આધારે બે વાહનોમાંથી દારૂના જથ્થા મળીને કુલ રૂ. ૧૯,૪૭,૬૮૯ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઈને ફરાર ૧૦ આરોપીની શોધ હાથ ધરી છે.
એસએમસીના અધિકારીઓએ માહિતીને આધારે બનાસકાંઠાના છાપી સ્થિત ઉમરદાસી નદીના બ્રિજ પાસે જાળ બિછાવીને દારૂ ભરેલી વેન્યુ તથા હેરીઅર કાર કબજે કરી હતી. તેમાંથી પોલીસે અંદાજે ચાર લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ, બે વાહનો, રોકડ રકમ અને ૩ મોબાઈલ મળીને કુલ રૂ. ૧૯,૪૭,૬૮૯નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે રાજસ્થાનના ત્રણ શખ્સો ચેતન એમ.લોહાર, ગોપાલ એમ.સિયાક અને પબુરામ જે.ડારાની ધરપકડ કરી હતી. જ્યારે વેન્યુ તથા હેરીઅર કારના માલિક, દારૂનો જથ્થો લાવનાર, દારૂ લેવા આવનારા સહિત ૧૦ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.