જૂનાગઢમાં થયેલી લૂંટમાં સમાચાર હજી ઓસર્યા નથી ત્યાં બનાસકાંઠાના છાપીમાં સનસનાટીભરી લૂંટની વાત સામે આવી છે. આંગડિયા કર્મચારીના દાગીનાભરેલા થેલાની લૂંટ થઈ છે. અજાણ્યા શખ્સો થેલો લૂંટીને ફરાર થઈ ગયા છે.
આંગડિયા પેઢીના કર્મચારીને થેલો ઝૂંટવી લઈને લૂંટ ચલાવાઈ છે. છાપી નજીક લૂંટના સીસીટીવી પણ સામે આવ્યા છે. અમદાવાદથી રાજસ્થાન જતી બસમાં આ બનાવ બન્યો છે. બાઇક પર આવેલા લૂંટારુઓએ આ લૂંટ કરી છે. જિલ્લાની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લૂંટારીઓએ દોઢ કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવી હોવાનું અનુમાન છે.
એસપી સહિતના અધિકારીઓ તપાસ હાથ ધરી છે. સીસીટીવીના આધારે લૂંટારુઓને ઝડપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર અમદાવાદ હાઇવે પર આ ઘટના બની છે. આંગડિયા કર્મચારી રાજસ્થાનની બસમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરકાવાડા હોટેલ નજીક ઘટના બની છે. સવારે નવ વાગે ઘટના બનતા એસપી, એસઓજી, છાપી પોલીસની એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બસ ભરકાવાડા પાસે હોટેલ પર ચાનાસ્તા માટે ઊભી રહી હતી.આંગડિયા કર્મચારીપાસેથી સોનું ભરેલો થેલો લૂંટી બે લૂંટારુઓએ ફરાર થયો હતો. બાઇક પર આવેલા બે લૂંટારુઓએ આ લૂંટને અંજામ આપ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે છે. આના પગલે છાપી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પહેલા આજે જૂનાગઢમાં પણ એક કરોડથી વધુ રૂપિયાની લૂંટ થઈ હતી. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ લૂંટ પણ આંગડિયાને ત્યાં જ થઈ હતી અને તે પણ સોનાના દાગીનાની જ લૂંટ હતી. અમદાવાદની પેઢીનાં કર્મચારીઓને કેટલાક અજાણ્યા શખ્સોએ હથિયારોનાં જોરે લૂંટી લીધા હતા. આ ઘટનામાં અંદાજે ૧ કરોડથી વધુની રકમની લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.