બનાસકાંઠા લાંફાકાંડ: ધારાસભ્ય કેશાજીએ ઘટનાને વખોડી, મંચ પરથી દિલગીરી વ્યકત કરી

બનાસકાંઠા: દિયોદર લાફાકાંડ મામલે ધારાસભ્યએ દિલગીરી વ્યક્ત કરી છે. જેતડા પીએચસી ઉદ્ઘાટન પ્રસંગે મળેલી સભા દરમિયાન મંચ પરથી ધારાસભ્ય કેશાજી ચૌહાણે દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7મી તારીખે જે બનાવ બન્યો એ દુઃખદ છે. એને હું વખોડુ છું, હું એનાથી દુઃખી છું અને દિલગીર પણ છું.

બીજી બાજુ, બનાસકાંઠાના લાફાકાંડમાં સાંસદ પરબત પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ જાતિ-જાતિનો નહીં, બે લોકોનો ઝઘડો છે. દિયોદરમાં જે કંઈ થયું તે બે લોકોનો ઝઘડો હતો. આખા મામલામાં ધારાસભ્ય ક્યાંય સામેલ નથી. MLAનું રાજીનામું માગનારને સાંસદ પરબત પટેલે સવાલ કર્યો છે. તેમણે કહ્યું કે, તમારા જૂના ઝઘડામાં MLAનું કેવી રીતે રાજીનામું? જાતિ-જાતિનો નહીં અણસમજણનો ઝઘડો છે. આ ઝગડાનો લાભ બીજા લોકો લઈ રહ્યા છે. લાફાકાંડમાં કોંગ્રેસ, AAP પર સાંસદ વરસ્યા હતા. તેમણે કહ્યું કે, લેવાદેવા નહીં તોય કોંગ્રેસ, AAP ભેગા ભળી ગયા.

બીજી બાજુ, બનાસકાંઠાના લાફાકાંડમાં નવો વળાંક આવ્યો છે. ખેડૂતોની પદયાત્રામાં રાકેશ ટિકૈત જોડાશે. રાષ્ટ્રીય કિસાન નેતા રાકેશ ટિકૈત પદયાત્રામાં જોડાશે. 18મી ઓગસ્ટે ખેડૂતોની પદયાત્રામાં ટિકૈત જોડાશે. 18મી ઓગસ્ટે ખેડૂતોની પદયાત્રા ગાંધીનગર પહોંચશે. જ્યારે દિયોદર MLA કેશાજીના રાજીનામાની ખેડૂતોની માગ છે.

નોંધનીય છે કે, તાજેતરમાં બનાસકાંઠાના દિયોદરમાં એક કાર્યક્રમ દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને થપ્પડ મારવાનો બનાવ બન્યો હતો. આરોપ છે કે, થપ્પડ મારનાર વ્યક્તિ ધારાસભ્ય કેશાજી ચૌહાણનો સમર્થક હતો. ધારાસભ્યની હાજરીમાં ખેડૂત પર હુમલો થતાં દિયોદરમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. આરોપ છે કે, અમરાભાઈ નામના ખેડૂત આગેવાન MLAને કેટલીક સમસ્યાની રજૂઆત માટે ગયા હતા. જ્યાં ધારાસભ્યના સમર્થકે એકાએક હુમલો કર્યો હતો અને ખેડૂત આગેવાનને ઉપરા છાપરી લાફા ઝીંકતાનો વીડિયો પણ સામે આવ્યો હતો.