પાલનપુર,બનાસકાંઠામાં કોંગ્રેસમાં વધુ એક વાર ભંગાણ પડ્યુ છે. બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી.રાજપૂતે કોંગ્રેસ પક્ષ છોડી સૌને ચોકાવ્યા છે. ડી.ડી.રાજપૂત ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે.બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી ચુંટણી સમયે જ વધી રહી છે. નોધનીય છે કે બનાસકાંઠા લોક્સભા બેઠક પર ગેનીબેન ઠાકોરને કોગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે.
બનાસકાંઠામાં કોંગ્રેસને આજે વધુ એક ઝટકો લાગ્યો હતો.પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી.રાજપૂતે આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ.ડી.ડી.રાજપૂત થરાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. રામ મંદિરના કાર્યક્રમમાં નેતાઓને ન જવાનુ કારણ આપી રાજીનામુ આપી દીધુ હતુ.કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી ચુંટણી સમયે જ વધી રહી છે.
બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસનો ગઢ મનાય છે પરંતુ ચૂંટણીના મતદાન પહેલા આ ગઢના કાંકરા ખરી રહ્યા છે. થોડા સમય પહેલા જ થરાદ યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપ્યુ હતું. અલ્પેશ જોશીએ પોતાના પદ સહિત સભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું જેમાં કોંગ્રેસ પાર્ટીએ કરેલા રામ મંદિરના વિરોધને લઇ લાગણી દુભાઈ હોવાનું કારણ બતાવાયું છે.
૨૦૨૪ના જંગની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર ઈતિહાસમાં પ્રથમ વખત બંને પક્ષોએ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. ભાજપે બનાસડેરીના સ્થાપકના પૌત્રી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે.
ભાજપના ઉમેદવાર ર્ડા. રેખાબેન ચૌધરી વિશે વાત કરીએ તો ર્ડા. રેખાબેન ચૌધરી બિનરાજકીય ઉમેદવાર છે. ભાજપ દ્વારા પ્રથમ વખત મહિલાને ટિકીટ આપી છે. તેમજ તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે. શિક્ષણ ક્ષેત્રે તેઓ સારૂ એવું નામ ધરાવે છે.
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની વાત કરીએ તો તેઓ હાલ ચાલુ ધારાસભ્ય છે. તેમજ તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠકમાં સૌથી વધુ સાડા ૪ લાખ મતદારો ઠાકોર ક્ષત્રિય સમાજના છે. આ બેઠક પર સૌથી વધુ પ્રભુત્વ પણ ઠાકોર સમાજનું રહ્યું છે. કોંગ્રેસે ૨૦૧૭માં વાવ બેઠક પર ગેનીબેનને ધારાસભ્યની ટિકિટ આપી હતી. આ સમયે ગેનીબેને રાજ્ય સરકારના મંત્રી અને દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવ્યા હતા.
જો ગત ચૂંટણીના બનાસકાંઠાના પરિણામ પર નજર નાખવામાં આવે તો, ભાજપના ઉમેદવાર પરબત પટેલ ૩ લાખ ૬૮ હજાર ૨૯૬ મતની લીડથી જીત્યા હતા. આ સમયે કોંગ્રેસે પરથી ભટોળને ટિકિટ આપી હતી. બનાસકાંઠા લોક્સભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો છેલ્લી ૩ ટર્મથી બનાસકાંઠા બેઠક ભાજપ પાસે છે. અગાઉ ૧૯૫૨થી વાત કરીએ તો ૩ ટર્મ સુધી અહીં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું. આ બેઠક જનતા દળ, જનતા પક્ષ અને સ્વતંત્ર પક્ષને પણ ૧-૧ ટર્મ માટે મળી હતી.