બનાસકાંઠામાં ઘરના વડીલની ફરજ નિભાવવા જતાં પિતાની પુત્રએ કરી નાંખી હત્યા

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ખાપમાં પુત્રને પિતાએ ઠપકો આપતાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. પિતાએ ઠપકો આપતાં પુત્રએ ધોકો મારી પિતાની હત્યા કરી નાખી છે. પુત્રએ જ પોતાના પિતાનું લાકડાનો ધોકો મારી મોત નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

બનાસકાંઠાના અમીરગઢના ખાપા ગામે પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડામાં પિતાએ ઠપકો અપાતાં પુત્રએ જ મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના બની છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ખાપા ગામમાં રહેતા બકાભાઈ સાજાભાઇ ડુંગસીયા ગતરાત્રે પોતાના ઘરે પત્ની સાથે ઝઘડો કરી રહ્યા હતા. તે દરમિયાન તેના પિતા સાજાભાઇ અણદાભાઇએ કંકાશ ન કરવા માટે પુત્રને રોક્તા ઠપકો આપ્યો હતો. જેના લીધે પિતાની વાતનું ખોટું લાગતા આવેશમાં આવી પુત્રએ પિતાને છાતીના ભાગમાં લાકડાના ધોકાનો પ્રહાર કર્યો હતો. ત્યારે જ સાજાભાઇ નીચે ઢળી પડ્યા હતા અને જમીન પર પડતા જ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પુત્રેએ જ પિતાની આવેશમાં આવી હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

આ મામલે મૃતકના અન્ય પુત્ર મુકેશભાઈ સાજાભાઇએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પોતાના પિતાની હત્યા કરનાર ભાઈ બકાભાઈ સામે ફરિયાદ અપાતા પોલીસે ગુનો નોંધી લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે અમીરગઢ સરકારી દવાખાનામાં લાવી હત્યારાની શોધખોળ કરી ગણતરીના કલાકોમાં હત્યારા પુત્રને પકડી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.