
- 10 તાલુકામાં સિઝનનો 100%થી વધુ વરસાદ ખાબકી ગયો
- ડીસામાં 36 કલાકમાં 12 ઈંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ
- 33 માર્ગો તૂટી જતાં અનેક ગામો સંપર્ક વિહોણા
વર્ષ 2017 બાદ વર્ષ 2022માં બનાસ નદી 2 દિવસથી બન્ને કાંઠે વહેતી થઈ છે. જેને લઇ ને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અમીરગઢ માલમલતદાર એસ.સી.ગોતિયાએ લોકોને નીચાંણ વાળા વિસ્તારો સહિત નદી નાળાથી દુર રહેવા જાહેર સૂચના આપી છે.નોંધનીય છે કે, રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદથી નદી, નાળા છલકાયા છે તો કેટલાક તળાવો ચેક ડેમો ઓવરફ્લો થવાથી બનાસ નદીમાં ઘોડાપૂર આવતાં લોકો જોવા ઊમટયા હતા.

જિલ્લાના 10 તાલુકામાં સિઝનનો 100%થી વધુ વરસાદ ખાબકી ગયો
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ, ડીસા પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ ,વાવ ,સુઈગામ, ધાનેરા સહિતના વિસ્તારોમાં ચાર થી 10 ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જો કે દાંતીવાડા બ્રિજ પર મોટું ગાબડું પડતા તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું.
બનાસ અને બાલારામ સહિતની નદીઓમાં બે કાંઠે પાણી વહેતા જોવા મળ્યા હતા અને તાલુકા મથક પાલનપુરમાં નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાઈ હતી. જિલ્લામાં ઓગસ્ટના 17 દિવસમાં 47 ટકા વરસાદ ખાબકતાં સિઝનમાં 109.52 ટકા એટલે 716.57 મિમી સરેરાશ વરસાદ નોંધાયો છે. જેમાં જિલ્લાના અમીરગઢ, ધાનેરા, ભાભર, અને લાખણી સિવાયના તમામ 10 તાલુકાઓમાં 100 ટકા વરસાદ સિઝનનો પૂરો થયો હતો
ડીસા પંથકમાં છેલ્લા 36 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદથી પંચાયત હસ્તકના 33 માર્ગો તૂટી જતાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. વ્હોળાઓનું પાણી તેમજ તળાવો છલકાવાથી ખેતરોમાં રહેતા લોકોને શાળામાં શિફ્ટ કરાયા હતા. રાણપુર વચલાવાસ ગામે ગામનું પાણી ખેતરોમાં થઈ પાળાઓ તૂટતા નુકસાન થયું હતું.
થરાદના નાગલામાં પરિવારોનું સ્થળાંતર કરાયું
થરાદ તાલુકામાં ભારે વરસાદના કારણે નાગલા ગામે પાણી ભરાયા છે. આથી કોઇ જાનમાલને નુકશાન ન થાય તે માટે સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં કેટલાક પરિવારોને ઉંચાણવાળી જગ્યાએ શિફ્ટ કરાયા છે. તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી સબીરભાઈ મન્સૂરીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વરસાદની આગાહી હોવાથી નાગલા ગામના લોકોને ઉંચાણવાળા વિસ્તારમાં આવેલી શાળાઓમાં સ્થાળાંતર કરવામાં આવ્યા છે.ટીડીઓએ મુલાકાત લીધી છે. તલાટી સહિત તંત્ર નાગલા ગામમાં ખડપગે થયું હતું.
ભીલડી વિસ્તારમાં અનેક માર્ગો ધોવાતા અવરજવર બંધ
બનાસકાંઠા જિલ્લામાં વરસી રહેલા વરસાદની સાથે ભીલડી વિસ્તાર જળબંબાકાર થયું હતું. હાઇવે પર આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૪ ફૂટ જેટલુ પાણી ભરાતાં દર્દીઓ પરેશાન થયા હતા. ગ્રામીણ વિસ્તારોને જોડતા અનેક રસ્તા ઉપર પાણી ફરી વળતાં અરણીવાડા મુડેઠા રોડ ભીલડી- બલોધર રોડ, ભીલડી- નેસડા – પેપળુ રોડ, નેશનલ હાઇવે થી ઘરનાળ રોડ, સ્ટેટ હાઇવેથી ઘરનાળ રોડ, નવી ભીલડી થી જૂના નેસડાથી ઘરનાળમોટી રોડ, પાલડી-વડલાપુર રોડને બંધ કરાયા હતા. જ્યારે સોયલામાં બંને તળાવ ઓવરફ્લો થયા હતા.