બલૂચ વિરોધીઓને બળજબરીથી હટાવવામાં આવશે નહીં, ઈસ્લામાબાદ હાઈકોર્ટે રાહત આપી

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં વિરોધ કરી રહેલા બલૂચ પ્રદર્શનકારીઓને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી થોડી રાહત મળી છે. વાસ્તવમાં, હાઈકોર્ટે ઈસ્લામાબાદના સ્થાનિક વહીવટીતંત્રને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ બળપ્રયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો છે. બલૂચ વિરોધીઓ ૨૦ ડિસેમ્બરથી ઈસ્લામાબાદના નેશનલ પ્રેસ ક્લબની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

હકીક્તમાં, બલૂચ સામાજિક કાર્યર્ક્તા સમ્મી દીન બલોચે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં પોલીસ પર પ્રદર્શનકારીઓનું શોષણ કરવાનો અને તેમની કૂચ પર બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સમીદીન બલોચની અરજીની નોંધ લેતા, ઈસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ મોહસીન અખ્તર કિયાનીએ સ્થાનિક વહીવટીતંત્રને પ્રદર્શનકારીઓ સામે બળનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ જજે ઈસ્લામાબાદના ડેપ્યુટી કમિશનર અને એસએસપીને આગામી સુનાવણી પર કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટ હવે આ મામલે ૫ જાન્યુઆરીએ સુનાવણી કરશે.

અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા પરંતુ તેમ છતાં પોલીસ બળજબરીથી વિરોધને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે અનેક મહિલાઓ અને બાળકોની ધરપકડ કરી છે. આના પર ન્યાયાધીશે પૂછ્યું કે શું પ્રદર્શનકારીઓ આગળ વધી રહ્યા છે અને વકીલે કહ્યું કે ના, વિરોધીઓ આગળ નથી વધી રહ્યા અને પ્રેસ ક્લબમાં જ બેસીને શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે. આ પછી ન્યાયાધીશે પોલીસ પ્રશાસનને પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો.

બલૂચિસ્તાનમાં ગુમ થવા અને ન્યાયેત્તર કસ્ટડીમાં મૃત્યુનો મુદ્દો જૂનો મુદ્દો છે. હવે બલૂચ લોકો આની સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને બલૂચિસ્તાનના તુર્બતથી ઈસ્લામાબાદ સુધી કૂચ કરી છે. હાલમાં ઈસ્લામાબાદમાં બલૂચ વિરોધીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કૂચ દરમિયાન પાકિસ્તાની પોલીસે ઘણી વખત બળપ્રયોગ કર્યો છે અને મોટી સંખ્યામાં દેખાવકારોની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.